અમદાવાદ વિમાન અકસ્માત મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું પાયલટને દોષ ના આપવો જોઇએ

નવી દિલ્હી: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું તે ઘટનાની સ્વતંત્ર તપાસની માગણી કરતી અરજી પાયલટના પિતા દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. સાથે જ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાયલટ સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજને કહ્યું હતું કે આ મામલામાં પાયલટને દોષ ના આપવો જોઇએ. તમારે (પાયલટના પિતા)એ પોતાના પર બોજ ના રાખવો જોઇએ.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યાની બેંચે મૃતક પાયલટ સુમિત સભરવાલના ૯૧ વર્ષીય પિતા પુષ્કરરાજની અરજીની સુનાવણી કરી હતી. અરજદારના વકીલે સુપ્રીમને જણાવ્યું હતું કે અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં પાયલટ કેપ્ટન સુમિત સભરવાલને લઇને એક સમાચાર પ્રકાશિત કરાયા છે. બાદમાં સુપ્રીમની બેંચે કહ્યું હતું કે આ રિપોર્ટ માત્ર ભારતને દોષિત ઠેરવવામાં માટે જ પ્રકાશિત કરાયો છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટે ૧૨ જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી હતી જોકે તરત જ ક્રેશ થઇ ગઇ હતી. આ અકસ્માતમાં એક મુસાફરને છોડીને તમામ લોકોના મોત નિપજ્યા હતા. વિમાન ક્રેશ થયંુ તે સ્થળે હાજર અન્ય કેટલાક લોકો પણ માર્યા ગયા હતા. આ ઘટનાના એક મહિના બાદ એક પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર થયો હતો જેમાં એક પેરેગ્રાફમાં આડકતરી રીતે પાયલટ પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
પાયલટના પિતાએ આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને મીડિયામાં પ્રકાશિત અહેવાલો વગેરે તરફ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું હતું સાથે જ મામલાની સ્વતંત્ર તપાસ કરવા માગ કરી હતી. સુપ્રીમની બેંચે પાયલટના પિતાને કહ્યું હતું કે ભારતમાં કોઇને પણ નથી લાગતુ કે આ અકસ્માતમાં પાયલટનો કોઇ દોષ હતો. આ બહુ જ દુ:ખદ ઘટના છે પરંતુ પાયલટને જે પ્રકારનો દોષ આપવામાં આવી રહ્યો છે તેના માટે તમારે (પિતાએ) તેનો બોજ માથે લઇને ફરવાની જરૂર નથી. સ્વતંત્ર તપાસની માગ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ડીજીસીએ પાસેથી જવાબ માગ્યો હતો. હવે આ મામલે અન્ય અરજીની સાથે સંયુક્ત રીતે ૧૦મી નવેમ્બરના રોજ વધુ સુનાવણી કરાશે.





