GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં ‘ન્યૂ મીડિયા એઝ ન્યૂઝ મીડિયા’ અને ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો

તા.૧૨/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત પ્રેસ અકાદમી, પ્રાદેશિક માહિતી કચેરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજન

વરિષ્ઠ પત્રકાર શ્રી હિરેન ભટ્ટે ન્યૂઝ મીડિયા ક્ષેત્રે વધતા જતા ન્યૂ મીડિયાના ઉપયોગ પર આપ્યું ચાવીરૂપ વક્તવ્ય

યુવા સર્જકો શ્રી લલિત ખંભાયતા અને શ્રી મયૂર ખાવડુના સાથેના રોચક સંવાદે સૌને જકડી રાખ્યા

ફોટો સ્ટોરી, લેખન અને રીલ મેકિંગ સ્પર્ધાના સ્પર્ધકોને પારિતોષિક એનાયત કરાયાં

પત્રકારત્વના વિદ્યાર્થીઓ અને માહિતી ખાતાના કર્મયોગીઓ સેમિનારમાં જોડાયા

:: શ્રી હિરેનભાઈ ભટ્ટ ::

મોબાઇલ અને સોશિયલ મીડિયાના યુગમાં સકારાત્મકતાનું વિશેષ મહત્વ

મીડિયા ક્ષેત્રમાં વિદ્યાર્થી ભાવથી શીખવા અખબારથી શ્રેષ્ઠ કોઈ વિકલ્પ નથી

:: શ્રી લલિત ખંભાયતા ::

પત્રકારત્વ સાહિત્યને માહિતીપ્રદ બનાવે છે, જ્યારે સાહિત્ય પત્રકારત્વને સુંદરતા આપે છે

જે તે વિષય સબંધિત જાણકારી મેળવવા ગૂગલ પાસે જતાં પહેલાં લાયબ્રેરીએ જવું

:: શ્રી મયૂર ખાવડુ ::

સતત વાંચવું, નિરીક્ષણ કરવું અને સાહિત્ય મર્મીઓની સોબત કરવી તે જ સર્જનને બળકટ બનાવે છે

સર્જનાત્મકતાનો ઉદ્દેશ લોકોને વિચારતા કરી મૂકવાનો છે

Rajkot: રાજકોટના આંગણે ગુજરાત પ્રેસ અકાદમી – ગાંધીનગર, પ્રાદેશિક માહિતી કચેરી – રાજકોટ અને જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘ન્યૂ મીડિયા એઝ ન્યૂઝ મીડિયા’ અને ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ પ્રેસ અકાદમીના સચિવ શ્રી જયેશભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

રાજકોટ તથા જૂનાગઢ ઝોનના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષભાઈ મોડાસીયાએ શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પત્રકારત્વ ક્ષેત્ર બદલાવના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. ન્યૂઝ મીડિયામાં હવે ન્યૂ મીડિયાનો પણ ઉપયોગ વ્યાપકપણે થવા લાગ્યો છે. સાહિત્ય અને પત્રકારત્વ એકબીજાના પૂરક છે. બંને એકબીજા સાથે સંકળાયેલા છે પરંતુ પ્રસ્તુતિની રીત જૂદી છે. સાહિત્ય ભાવનાત્મક અને કલાત્મક રીતે વિચારો રજૂ કરે છે, જ્યારે પત્રકારત્વ તથ્યો અને વાસ્તવિકતા પર આધારિત હોય છે.

ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ અને સંયુક્ત માહિતી નિયામક શ્રી જયેશ દવેએ ‘સર્જક સાથે સંવાદ’ જેવા કાર્યક્રમોની અગત્યતા વિશે જણાવ્યું કે આ પ્રકારના આયોજનો નવોદિતોને નવી દ્રષ્ટિ આપવાનું કામ કરે છે. કોઈપણ કાર્ય નાનું કે મોટું નથી હોતું, પરંતુ આપણે તે કામને કઈ રીતે કરીએ છીએ, તે જ મહત્વનું છે.આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં અહીં લેખનમાં સંવેદના અને શબ્દોની મહત્તા વિશે વિસ્તૃત જાણકારી અપાઈ છે. તેમજ લેખનને કઈ રીતે સુદ્રઢ બનાવી શકાય, તે વિશે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન અપાયું છે.

વરિષ્ઠ પત્રકાર શ્રી હિરેન ભટ્ટે આજના મોબાઇલ અને સોશિયલ મીડિયાના યુગમાં સકારાત્મકતા અને નકારાત્મકતાના મહત્વ પર સદ્રષ્ટાંત પ્રકાશ પાડતા જણાવ્યું કે સકારાત્મકતા વ્યક્તિને પ્રગતિ તરફ દોરી જાય છે, જ્યારે નકારાત્મકતા અંધકાર તરફ ધકેલે છે. શ્રી હિરેનભાઈ ભટ્ટે સોશિયલ મીડિયાની વર્તમાન સમયમાં અનિવાર્યતા વિશે વાત કરતાં જણાવ્યું કે, પાંચ કરોડ મોબાઇલ સબ્સ્ક્રાઇબરથી શરૂ થયેલી યાત્રા આજે ૧૨૦ કરોડથી પણ વધુ પહોંચી ગઈ છે. તેની સરખામણીમાં, આજે અખબારોનું સર્ક્યુલેશન આશરે ૪૦ લાખ જેટલું છે. આ આંકડા દર્શાવે છે કે સોશિયલ મીડિયા માત્ર અનિવાર્ય જ નથી બન્યું, પરંતુ તેનો વ્યાપ પણ અનેકગણો વધ્યો છે. જો કે, ન્યૂ મીડિયામાં પ્રવેશતા પહેલાં ન્યૂઝ મીડિયા (પરંપરાગત માધ્યમો)નું મહત્વ એટલું જ છે. વિદ્યાર્થી ભાવથી શીખવા માટે આજે અખબારથી શ્રેષ્ઠ કોઈ વિકલ્પ નથી. અખબારો આપણને “શું નવું કરવું” અને “શું વિશેષ ઉમેરવું” તે શીખવે છે. પત્રકારત્વ શીખવા માટે અને તેમાં સફળ થવા માટે સતત પ્રયાસ અને સકારાત્મકતા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

‘સર્જક સાથે સંવાદ’માં જાણીતા કટાર લેખક અને મેગેઝીન એડિટર શ્રી લલિત ખંભાયતાએ જણાવ્યું કે આજે સ્મરણભૂમિમાં સાહિત્ય અને પત્રકારત્વના વિચારો રજૂ કરવાની તક મળી, તેનો આનંદ છે. પત્રકારત્વ સાહિત્યને માહિતીપ્રદ બનાવે છે, જ્યારે સાહિત્ય પત્રકારત્વને સુંદરતા આપે છે. લોકો સંઘર્ષને શરમ માને છે પરંતુ સાહિત્ય અને પત્રકારત્વ માટે જેટલું ફિલ્ડમાં ખૂંદીએ, જેટલા સંઘર્ષમાંથી પસાર થઈએ તેટલુ અંતરમાંથી સર્જનાત્મકતા વધુ બહાર આવે છે.

પ્રસિદ્ધ લેખક ચંદ્રકાંતભાઈ બક્ષીને યાદ કરીને તેમણે ઉમેર્યું હતું કે બક્ષીજીએ લખેલું છે કે “લેખકો માટે ડાયરી લખવાથી મોટો કોઈ રિયાઝ નથી.” લખાણમાં ઊંડાણ લાવવા સતત લખતું રહેવું જરૂરી છે. કટાર લેખનમાં સંશોધનના પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી લલિતે કહ્યું કે જે તે વિષય સબંધિત જાણકારી મેળવવા ગૂગલ પાસે જતાં પહેલાં લાયબ્રેરીએ જવું. પુસ્તકોમાંથી મળતો ચિંતનનો ખજાનો માનવીમાં મૂલ્યોનું સિંચન કરે છે. સતત વાંચતા રહેવું જોઈએ, તે પણ જજમેન્ટલ બન્યા વિના. સંશોધન કરવા માટે ખૂબ અભ્યાસ કરવો જોઈએ, હોમવર્ક કરવું જોઈએ. આ તકે શ્રી લલિતે કારકિર્દી યાત્રા, અખબાર જગત સાથે સંબંધ, પ્રખ્યાત લેખક અશ્વિની ભટ્ટ સાથેની યાદો, ચારણકન્યાના વારસદારો શોધવા સહિત ફિલ્ડ રિપોર્ટિંગના અનુભવો વર્ણવ્યા હતાં.

આ પ્રસંગે દિલ્હી સાહિત્ય અકાદમીના યુવા પુરસ્કાર વિજેતા સર્જક અને નિબંધકાર શ્રી મયૂર ખાવડુએ સાહિત્ય સર્જનના અનુભવો અને પ્રક્રિયા વિશે જણાવતા કહ્યું કે, જોવું અને અનુભવવું અને તેને શબ્દના ચાકડે ચડાવવું, તે જ સર્જન છે. આ સાથે સતત વાંચવું, નિરીક્ષણ કરવું અને સાહિત્ય મર્મીઓની સોબત કરવી તે જ સર્જનને બળકટ બનાવે છે. તેમણે કહ્યું કે, લેખન કૌશલ્યની પાંખો વિસ્તારવા માટે ડાયરી લેખન પણ અગત્યનું પરિબળ છે. આ સાથે જ ભાષાનો વૈભવ વધારવા માટે સતત વાંચતા રહેવું જોઈએ. તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું. સાથેસાથે રોજબરોજના પ્રસંગોને તત્વજ્ઞાન અને અન્ય સંદર્ભો સાથે જોડવામાં આવે તો ડાયરી લેખન અસરકારક બને છે. જે સારા લેખક બનવા માટેનું પ્રથમ ડગ હોઈ શકે છે.

શ્રી મયુરે પ્રશ્નોત્તરી દરમિયાન એમ પણ કહ્યું કે, સર્જનાત્મકતાનો ઉદ્દેશ લોકોને વિચારતા કરી મૂકવાનો છે. તેમણે ગાંધીજી, કાકા કાલેલકર, અમૃત વેગડ જેવી સરળ અને સહજ ભાષામાં સર્જન કાર્ય કરવાની હિમાયત કરી હતી.

આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભવોનું પુષ્પગુચ્છ અને ખાદીના રૂમાલથી અભિવાદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન સહાયક માહિતી નિયામક શ્રી રાધિકાબેન વ્યાસ અને માહિતી મદદનીશ શ્રી બળદેવસિંહ જાડેજાએ કર્યું હતું. તેમજ સાહિત્ય ગોષ્ઠીનું રસપ્રદ સંચાલન સિનિયર સબ એડિટર શ્રી સંદીપ કાનાણીએ કર્યું છે.

આ કાર્યક્રમમાં સાહિત્ય અને પત્રકારત્વના સંયોગને ઉજાગર કરવાના હેતુસર સહાયક માહિતી નિયામક શ્રી પ્રિયંકાબેન પરમારે દેશની સૌ પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાઈ વ્યારાવાલા, માહિતી મદદનીશ શ્રી ગૌરાંગભાઈ જોશીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને શ્રી જયભાઈ મિશ્રાએ ફૂલછાબ દૈનિકના સ્થાપક અમૃતલાલ શેઠની ભૂમિકા ભજવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ સેમિનાર અંતર્ગત પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે આયોજિત ફોટો સ્ટોરી સ્પર્ધા તેમજ માહિતી ખાતાના સંપાદનના કર્મયોગીઓ માટે યોજાયેલી લેખન અને રીલ મેકિંગ સ્પર્ધાની શ્રેષ્ઠ ૦૩ કૃતિઓને વિજેતા ઘોષિત કરીને, તેમને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતાં. તેમજ સ્પર્ધકોને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. અંતે નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનારા કર્મયોગી મિત્રો તથા કાર્યક્રમની શોભાવૃદ્ધિ કરવા માટે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. તેમજ સૌના સાથ-સહકાર બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

આ અવસરે નાયબ માહિતી નિયામક શ્રી દિવ્યાબેન છાંટબાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા શ્રી નીતાબેન ઉદાણી, અર્જૂનલાલ હિરાણી કોલેજના પ્રિન્સિપાલશ્રી કાંતિભાઇ ઠેસીયા, અધ્યાપકો શ્રી તુષારભાઈ ચંદારાણા, શ્રી તૃપ્તિબેન વ્યાસ, શ્રી નિલેશભાઈ પંડ્યા, શ્રી જિતેન્દ્રભાઈ રાદડિયા સહિત સૌરાષ્ટ્ર પ્રદેશના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!