NATIONAL

કલેક્ટરને વક્ફની સંપત્તિ સરકારી જાહેર કરવાની સત્તા નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : વક્ફ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા સુધારાઓને લઇને ભારે વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે વક્ફ કાયદામાં કેન્દ્ર સરકારે કરેલા કેટલાક મહત્વના સુધારા પર હાલ પુરતા સ્ટે યથાવત રાખ્યો છે. જોકે સંપૂર્ણ કાયદા પર સ્ટે મુકવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે વક્ફ બોર્ડમાં બિનમુસ્લિમ સભ્યોની સંખ્યા ત્રણ જ રાખી શકાશે, એટલે કે બહુમત મુસ્લિમ સમાજ પાસે જ રહેશે. શક્ય હોય ત્યાં સુધી બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) પણ મુસ્લિમ જ બને તેનું ધ્યાન રાખવું.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇ, ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેંચે ૧૨૮ પાનાનો વચગાળાનો આદેશ આપ્યો છે. સુપ્રીમની બેંચે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા મહત્વના ફેરફારો પર હાલ પુરતા સ્ટે મુક્યો છે. જે મહત્વની જોગવાઇઓ પર સ્ટે મુક્યો છે તેમાં કલમ ૩ (આર)નો સમાવેશ થાય છે. આ કલમ કહે છે કે ઇસ્લામ ધર્મનું પાંચ વર્ષ સુધી યોગ્ય રીતે પાલન કર્યું હોય તે જ વ્યક્તિ બોર્ડના સભ્ય બની શકે, સુપ્રીમ કોર્ટે આ જોગવાઇ પર સ્ટે મુકી દીધો છે સાથે જ કહ્યું છે કે જ્યાં સુધી આ જોગવાઇના અમલ માટે નિયમો ના ઘડાય ત્યાં સુધી આ પાંચ વર્ષની શરત મનમાનીભરી રહેશે તેથી તેના પર સ્ટે યથાવત રાખવો જરૂરી છે.  બીજી જોગવાઇ કલમ ૨(સી)માં અપાઇ છે જેમાં કહેવાયું છે કે જ્યાંસુધી નામિત અધિકારીની રિપોર્ટ દાખલ ના થાય ત્યાં સુધી સંપત્તિને વક્ફ માનવામાં ના આવે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઇને સ્થગિત કરી દીધી છે. ત્રીજી જોગવાઇ કલમ ૩(સી) સાથે સંકળાયેલી છે જેમાં વક્ફની કોઇ સંપત્તિને સરકારી જાહેર કરવાની કલેક્ટરને સત્તા આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઇ પર પણ સ્ટે મુકી દીધો છે. સાથે જ સ્પષ્ટતા કરી છે કે કલેક્ટરને સંપત્તિનો અધિકાર નક્કી કરવાનો અધિકાર આપવો સત્તાના વર્ગિકરણનું ઉલ્લંઘન ગણાશે. સુપ્રીમ કોર્ટે આ અંગે ૨૨મી મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જ્યારે સોમવારે વચગાળાનો આદેશ જારી કર્યો હતો.  વક્ફ બોર્ડ અને કાઉન્સિલ અંગે પણ સુપ્રીમે સ્પષ્ટતા કરી છે, હવેથી કેન્દ્રીય વક્ફ બોર્ડમાં મહત્તમ ચાર જ બિનમુસ્લિમ જ્યારે રાજ્યના વક્ફમાં મહત્તમ ત્રણ જ બિનમુસ્લિમ સભ્યોનો સમાવેશ કરી શકાશે, એટલે કે સુપ્રીમ કોર્ટે વક્ફ બોર્ડમાં કોટા નિશ્ચિત કરી દીધા છે અને મુસ્લિમોને બહુમત સોંપી છે. સાથે એમ પણ કહ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી મુસ્લિમને જ સીઇઓ બનાવવામાં આવે.

Back to top button
error: Content is protected !!