સોનમ વાંગચુકની ધરપકડ સામે પત્ની સુપ્રીમ કોર્ટ પહોંચી
લદાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડને લઈને પત્ની ગીતાંજલિ આંગમો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે સોનમ વાંગચુકને તાત્કાલિક છોડવા અંગેની માગ કરતી હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે.
ગીતાંજલિ આંગમો દાખલ કરેલી અરજીમાં જણાવાયું છે કે, સોનમ વાંગચુક લોકશાહી અને શાંતિપૂર્ણ દેખાવનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની સામે ખોટા આરોપો મૂકવામાં આવ્યા હતા. હવે તેમને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ અટકાયત કરીને જોધપુર લઈ જવાની વાતો થઈ રહી છે, પરંતુ વહીવટીતંત્રે સંબંધિત અટકાયતનો આદેશ આપ્યો નથી. તેથી આ અટકાયત ગેરકાયદે છે અને તેમને મુક્ત કરવા જોઈએ.
મેગ્સેસે પુરસ્કાર વિજેતા અને ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક લાંબા સમયથી લદાખના આંદોલનમાં એક અગ્રણી વ્યક્તિ રહ્યા છે, જે લદાખને રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જાની માંગ કરે છે. છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ આ પ્રદેશને સ્થાનિક સંસાધનો પર વધુ અધિકારો, સાંસ્કૃતિક સંરક્ષણ અને સ્વાયત્ત પરિષદ જેવી બંધારણીય ગેરંટીઓ આપે છે.
ધરણા અને ભૂખ હડતાળ સહિત ચાલી રહેલા દેખાવ હિંસામાં ફેરવાઈ ગયો હતો. દેખાવ દરમિયાન પોલીસ ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા. લદાખ વહીવટીતંત્રે સોનમ પર વિદેશી શક્તિઓ માટે કામ કરવાનો આરોપ મૂક્યો. 26મી સપ્ટેમ્બરના રોજ તેની અટકાયત કરવામાં આવી હતી. તેના પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંબંધો રાખવા અને વિદેશથી ગેરકાયદે ફંડ મેળવવા સહિતના અનેક આરોપો છે.
ઉલ્લેખનીય છે કે, ગીતાંજલિ આંગમો મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘સોનમ અને તેના સંગઠન, હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદાખ (HIAL) સામે એક વ્યવસ્થિત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય છઠ્ઠી અનુસૂચિની માંગને નબળી પાડવાનો છે. સોનમની પાકિસ્તાન મુલાકાત એક પર્યાવરણીય કાર્યક્રમ માટે હતી. લદાખમાં મળેલા પાકિસ્તાની એજન્ટ સાથે તેનો કોઈ સંબંધ નથી.’