GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: હીટવેવ સામે લડવા સજ્જ રહીએ, ગરમીમાં ‘લૂ’ લાગવાથી બચીએ

તા.૧/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સંકલન : માર્ગી મહેતા

જાણો.. હીટ સ્ટ્રોકને સંલગ્ન વિસ્તૃત જાણકારી : ગરમી દઝાડે તે પહેલા ચેતી જાવ..

Rajkot: રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા હાલ ‘હીટવેવ એલર્ટ’ જાહેર કરાયું છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. સતત વધી રહેલી ગરમી વચ્ચે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉનાળામાં બપોરે ખૂબ ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હીટ સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે. ટૂંકાગાળામાં તાપમાનમાં થતો વધારો સહન ન થતા હીટ સ્ટ્રોક લાગી જાય છે. જેના કારણે લોકો ગંભીર રીતે બીમાર થઈ શકે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો મગજ, હૃદય, કિડની અને સ્નાયુઓને નુકસાન પહોંચે છે. લોકો ક્યારેક ગરમીના મોજાને અવગણે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. આથી, ગુજરાત સરકાર દ્વારા જનહિતાર્થે હીટવેવને સંલગ્ન જાણકારી પ્રસિદ્ધ કરાઈ છે.

હીટ સ્ટ્રોક શું છે?

ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઊંચા સ્તર સુધી પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હીટ સ્ટ્રોકની પરિસ્થિતિ સર્જાય છે.

લૂ કોના માટે વધુ જોખમકારક?

વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિલાઓ, મજૂરીકામ સાથે સંકળાયેલા લોકો, બીમાર વ્યક્તિઓને ‘લૂ’ લાગવાની શક્યતા વધુ છે.

હીટ સ્ટ્રોકના લક્ષણો

– માથામાં દુ:ખાવો થવો

– પરસેવો ન થવો

– ચામડી લાલ, સૂકી અને ગરમ થવી

– ઉલ્ટી થવી, ઉબકા આવવા

– અશક્તિ અનુભવવી

– આંખો લાલ થવી

– શરીરનું તાપમાન વધી જવું

– ખૂબ તરસ લાગવી

– શરીરમાંથી પાણી ઓછું થઈ જવું

– વધુ તાવ આવવો

– નાડીના ધબકારા વધવા

– ચક્કર અને આંખે અંધારા આવવા

– બેભાન થઈ જવું

– અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી

ઉપર મુજબના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્યકર્મી અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.

ગરમીથી બચવાના ઉપાયો

– પાણી વધુ પીવું

– કેફી જેવા પ્રવાહી ન પીવા

– ન્હાવાનું પ્રમાણ વધારો

– સફેદ, હલકાં રંગના કપડા પહેરો

– બંધ કારમાં ન બેસો

– વધુ પડતું બહાર રહેવાનું ટાળો

*લૂ લાગેલી વ્યક્તિની પ્રાથમિક સારવાર*

– ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો.

– શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે, તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા લીંબુ પાણી આપો.

– લૂ લાગેલી વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જાઓ.

– જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઈ હોય, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ.

હીટ સ્ટ્રોકની ઈમરજન્સી સારવાર

ઈમરજન્સી સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા હેલ્પલાઈન પર કોલ કરો અને જ્યાં સુધી મેડિકલ સેવા આવે ત્યાં સુધી નીચે મુજબ સૂચનાઓને અનુસરો.

– વ્યક્તિનાં પગ જમીનથી થોડા ઊંચા રહે તેમ સુવડાવો.

– પંખાની સીધી હવા તેના શરીર ઉપર આવે તે રીતે મૂકો.

– દર્દીનાં બગલમાં, કમર પર તથા ગળાની નીચે ભીના કપડાં / ટુવાલ / બરફ મૂકો.

– વ્યક્તિને થોડું ઠંડુ સાદુ પાણી પીવડાવો.

હીટવેવથી બચવા શું કરવું અને શું ન કરવું?

આટલું કરો :

– તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું

– શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણી જેવા પ્રવાહીનો ઉપયોગ કરો અને સાત્વિક પીણા પીવા.

– ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો અને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા, ચશ્મા પહેરવા.

– વજન અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો.

– આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો.

– પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.

– ઘરની છત પર સફેદ રંગ તાપમાન ઘટાડશે.

– ભૂખ્યા ન રહેવું, સંતુલિત અને સાદો આહાર લેવો.

આટલું ન કરો:

– શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું.

– બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને તડકો વધે તે પહેલા જરૂરી કામો પૂરા કરવા.

– શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ ન લેવા.

– મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા અને બિનઆરોગ્યપ્રદ આહારનો ઉપયોગ ટાળવો.

– બજારમાં મળતો ખૂલ્લો, વાસી ખોરાક ખાવો નહીં.

Back to top button
error: Content is protected !!