વધુ પડતો સ્ક્રીન સમય બાળકોના હૃદય અને મેટાબોલિક સ્વાસ્થ્ય પર સીધી નકારાત્મક અસર કરે છે. : AHA
માતાપિતાઓ માટે હવે સમય છે બાળકોના ડિજિટલ જીવનમાં સંતુલન લાવવાનો.

આજના ડિજિટલ યુગમાં બાળકોની દુનિયા જાણે હવે ટીવી, ગેમ્સ અને મોબાઈલ ફોનની ચાર દિવાલોમાં સીમિત થઈ ગઈ છે. બાળકો ક્યારેક મોબાઈલ, ક્યારેક ટીવી, ક્યારેક ટેબ્લેટ કે પછી ગેમિંગ કન્સોલ કરી રહ્યા છે, પરંતુ એક નવા વૈજ્ઞાનિક સંશોધને માતાપિતાઓ માટે ચેતવણીની ઘંટીઓ વાગાડી છે.
ડેનમાર્કમાં અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) ના સહયોગથી કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વધુ પડતો સ્ક્રીન સમય બાળકોના હૃદય અને મેટાબોલિક સ્વાસ્થ્ય પર સીધી નકારાત્મક અસર કરે છે.
10થી 18 વર્ષની વયના હજારો બાળકો પર થયેલા આ અભ્યાસમાં નોંધાયું કે જે બાળકો દિવસનો વધુ સમય સ્ક્રીન સામે વિતાવે છે, તેમના શરીરમાં નીચે મુજબની અણધારી ફેરફારો જોવા મળ્યા.
- બ્લડ પ્રેશર (રક્ત દબાણ) વધેલું
- કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું
- ઇન્સ્યુલિન પ્રતિકાર વધેલો (જે ડાયાબિટીસ તરફ દોરી શકે છે)
- સરળ શબ્દોમાં કહીએ તો-સ્ક્રીન સામે વિતાવેલો દરેક વધારાનો કલાક બાળકના હૃદય માટે જોખમી બની શકે છે.
અભ્યાસે એ પણ બતાવ્યું કે, જેમના ઊંઘના કલાક ઓછી છે ખાસ કરીને જે બાળકો મોડી રાત સુધી ફોન કે ગેમિંગમાં વ્યસ્ત રહે છે તેમના શરીરમાં “મેટાબોલિક ફિંગરપ્રિન્ટ” નામની જૈવિક નિશાની વિકસે છે. આ ફિંગરપ્રિન્ટ એનું સૂચક છે કે બાળકનો મેટાબોલિઝમ અસંતુલિત થઈ રહ્યો છે, જે ભવિષ્યમાં હૃદયરોગ કે ડાયાબિટીસ જેવા ગંભીર રોગો તરફ દોરી શકે છે.
વિજ્ઞાનીઓએ બાળકોના લોહીના નમૂનાઓનું વિશ્લેષણ કરીને જોયું કે, વધુ સ્ક્રીન સમય ધરાવતા બાળકોના લોહીમાં એવા રસાયણિક પદાર્થોનું પ્રમાણ વધેલું હતું, જે મેટાબોલિક તાણ અને અસંતુલન દર્શાવે છે.
આથી સ્પષ્ટ થાય છે કે આ ફક્ત વર્તણૂકીય સમસ્યા નથી, પરંતુ શરીરની જૈવિક રચનાને અસર કરતી હકીકત છે.
નિષ્ણાતો કહે છે કે માતાપિતાએ હવે પોતાના બાળકોના સ્ક્રીન સમય પર કડક નજર રાખવી જ રહી. કેટલાક મહત્વના પગલા:
- દિવસનો સ્ક્રીન સમય મર્યાદિત કરો (શાળાની જરૂરિયાત સિવાય 1-2 કલાકથી વધુ નહીં).
- સૂવાના એક કલાક પહેલાં તમામ સ્ક્રીન બંધ રાખો-આ મગજને આરામ આપે છે.
- શારીરિક પ્રવૃત્તિ અને આઉટડોર ગેમ્સને પ્રોત્સાહન આપો.
- પરિવાર સાથે વાંચન, સંગીત કે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરિત કરો.
- પૂરતી ઊંઘ (8-10 કલાક) માટે સમયપત્રક બનાવો.
અભ્યાસના મુખ્ય સંશોધકે જણાવ્યું છે કે, સ્ક્રીન સમય અને કાર્ડિયોમેટાબોલિક જોખમ વચ્ચે સ્પષ્ટ અને સીધો સંબંધ છે. બાળકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અત્યંત જરૂરી છે-જેમાં મધ્યમ સ્ક્રીન સમય, પૂરતી ઊંઘ અને નિયમિત શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ થાય. માતાપિતાઓ માટે હવે સમય છે બાળકોના ડિજિટલ જીવનમાં સંતુલન લાવવાનો. ટેક્નોલોજી ઉપયોગી છે પરંતુ અતિ ટેક્નોલોજી હૃદય માટે હાનિકારક બની શકે છે.




