તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ: હવે સિગારેટ, ગુટખા અને ખૈની-ઝરદા નહીં વેચાય

ઓડિશા સરકારે રાજ્યમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમાકુ અને નિકોટિન યુક્ત ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો મોટો નિર્ણય લીધો છે. 21 જાન્યુઆરીએ જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે સમગ્ર ઓડિશામાં ગુટખા, પાન મસાલા, જર્દા અને ખૈની જેવા પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સદંતર પ્રતિબંધ લાદી દેવાયો છે.
ઓડિશામાં વર્ષ 2013માં પણ આ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, પરંતુ અન્ય રાજ્યોમાંથી આ ઉત્પાદનોની હેરાફેરી થતી હોવાને કારણે તેનો કડક અમલ થઈ શક્યો ન હતો. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 11 વર્ષમાં તમાકુના વેચાણથી સરકારને અંદાજે 6596 કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ 2024-25માં જ આ આવક વધીને 1048 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. જોકે, મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની સરકારે આવક કરતા લોકોના સ્વાસ્થ્યને વધુ મહત્વ આપીને આ ઐતિહાસિક નિર્ણય લીધો છે.
નવી માર્ગદર્શિકા મુજબ, જો કોઈ વ્યક્તિ તમાકુ યુક્ત પદાર્થોનું પેકેજિંગ અથવા વેચાણ કરતા પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ નિયમોનું પાલન કરે અને રાજ્યને ‘તમાકુ મુક્ત ઓડિશા’ બનાવવાના અભિયાનમાં સહભાગી બને.




