‘પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ પણ દુષ્કર્મ ગણાશે..’ : બોમ્બે હાઈકોર્ટ

બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બાળકો સાથે સહેજ પણ અશ્લીલ હરકત કરવી તે પણ દુષ્કર્મની શ્રેણીમાં ગણાવી જોઈએ. જસ્ટિસ નિવેદિતા મહેતાએ, વર્ધા જિલ્લાના હિંગણઘાટના રહેવાસી અને ડ્રાઈવર એવા 38 વર્ષીય આરોપીની અરજી ફગાવી દેતી વખતે આ ટિપ્પણી કરી હતી.
આ આરોપી પર 5 અને 6 વર્ષની બાળકીઓ સાથે ગંદી હરકત કરવાનો આરોપ હતો. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આ પોક્સો (POCSO) કાયદા હેઠળનો કેસ છે અને આરોપીની 10 વર્ષની સજા યથાવત રાખવામાં આવી છે. જસ્ટિસ મહેતાએ નોંધ્યું કે, ‘પીડિતાને કોઈપણ પ્રકારના જાતીય ઈરાદાથી સ્પર્શ કરવો અથવા અશ્લીલ હરકતનો પ્રયાસ કરવો એ પણ દુષ્કર્મ ગણાય.’
માહિતી અનુસાર, આરોપીએ બાળકોને જામફળ આપીને લલચાવ્યા અને ત્યારબાદ તેમને અશ્લીલ વીડિયો બતાવ્યા હતા. આ કૃત્ય પછી, આરોપીએ તેમનું જાતીય શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે, આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને IPCની કલમ 376(2)(i) તથા 511 હેઠળ ગુનો નોંધાયો હતો. નીચલી અદાલતે આરોપીને ₹50,000નો દંડ પણ ફટકાર્યો હતો.
જસ્ટિસ મહેતાએ સ્પષ્ટ કર્યું કે, ‘પીડિતાઓ અને તેમની માતાના નિવેદનો તેમજ ફોરેન્સિક પુરાવાઓ એ વાતની પુષ્ટિ કરે છે કે તેની સાથે જાતીય શોષણનો પ્રયાસ થયો હતો. જો ઘટનાના 15 દિવસ પછી મેડિકલ તપાસમાં પીડિતાના પ્રાઇવેટ પાર્ટ પર ઈજાના નિશાન ન મળે, તો તેનો અર્થ એવો નથી કે આરોપીએ જાતીય શોષણ કર્યું જ નથી. પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ પણ દુષ્કર્મ જ છે.’ આની સામે, આરોપીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે પીડિતાના પરિવાર સાથેની જૂની દુશ્મનીને કારણે તેના પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે.
જસ્ટિસ મહેતાના મતે, ગુનાની ઘટના સમયે પોક્સો એક્ટમાં જે જોગવાઈઓ હતી, તે મુજબ જ સજા થવી જોઈએ. જોકે ઓગસ્ટ 2019માં કાયદામાં સુધારા કરીને લઘુત્તમ 20 વર્ષની સજાની જોગવાઈ ઉમેરવામાં આવી હતી. તેમ છતાં, બેન્ચે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા જાળવી રાખી, એવું તારણ આપીને કે આટલી સજા તેના માટે યોગ્ય અને પર્યાપ્ત છે.




