Jetpur: જેતપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા દીકરીઓની સુરક્ષા માટે અને ગૃહમંત્રીના રાજીનામા માટે નવદુર્ગા હવનનું આયોજન કરવામાં આવ્યું.
તા.૬/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ગૃહમંત્રી મજબૂત સુરક્ષામાં ફરી રહ્યા છે, પરંતુ ગુજરાતની મહિલાઓ અને બાળકીઓ અસુરક્ષિત છે: આપ
નવદુર્ગા હવન કરીને એવી પ્રાર્થના કરી છે કે માઁ દુર્ગા ગૃહમંત્રીને સદબુદ્ધિ આપે અને જલ્દીમાં જલ્દી પોતાના પદ પરથી રાજીનામું આપે: આપ
Rajkot, Jetpur: છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં અનેક બળાત્કારની ઘટનાઓ ઘટી છે અને બીજા નોરતે વડોદરાના ભાયલીમાં એક સામુહિક બળાત્કારની પણ ઘટના ઘટી છે. નવરાત્રીના સમયમાં આવી ઘટનાઓના કારણે સમગ્ર ગુજરાતના લોકોમાં રોષની લાગણી છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના જેતપુરમાં આમ આદમી પાર્ટીના કિસાન વિંગના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી નિમિષાબેન ખૂંટ, જિલ્લા પ્રમુખ તેજસ ભાઈ ગાજીપરા, મહેશ કોટડીયા, વિશાલભાઈ તથા મીનાક્ષીબેન સહિત આગેવાનો સાથે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નવદુર્ગા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ કે આજે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખૂબ જ અત્યાધુનિક સુરક્ષાના ઘેરામાં ફરી રહ્યા છે પરંતુ ગુજરાતમાં મહિલાઓ અને શાળામાં ભણતી બાળકીઓ પણ સુરક્ષિત નથી.
હાલ છેલ્લા કેટલાક સમયમાં આપણે જોયું કે શાળાઓમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી અને એક અઠવાડિયામાં છ થી વધારે બળાત્કારની ઘટનાઓ ઘટી છે. ત્યારે બીજી બાજુ ગૃહમંત્રી ફાંકા ફોજદારીમાં અને રિલ્સ બનાવવામાં વ્યસ્ત છે અને મોટી મોટી વાતો કરવામાં વ્યસ્ત છે. માટે આજે આમ આદમી પાર્ટીએ જેતપુરમાં નવદુર્ગા હવન કરીને એવી પ્રાર્થના કરી છે કે માઁ દુર્ગા ગૃહમંત્રીને સદબુદ્ધિ આપે અને ગૃહમંત્રી બને એટલી જલ્દીમાં જલ્દી પોતાના પદ પરથી રાજીનામું આપે.