વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી ટંડેલના હસ્તે વધુ ૩૧ શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા

વાત્સલ્યમ સમાચાર
વલસાડ
જિલ્લામાં તબક્કાવાર રીતે કુલ ૨૬૬ શિક્ષકો અને ૬ આચાર્યની નિમણૂક કરવામાં આવી..
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી- ૨૦૨૪ અંતર્ગત બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં નિમણૂક પ્રક્રિયાનો વધુ એક મહત્વપૂર્ણ તબક્કો વલસાડ જિલ્લામાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. જિલ્લાના બી.એ.પી.એસ. અબ્રામા ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કુલ ૩૧ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.રાજેશ્રી એલ.ટંડેલની અધ્યક્ષતામાં ભલામણ પત્રો વિતરણ કરવામાં આવ્યા, જ્યારે શાળા સંચાલક મંડળના હસ્તે નિમણૂક પત્રો અપાયા હતા. ડૉ. રાજેશ્રી ટંડેલે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, શિક્ષક એ માત્ર પાઠ ભણાવનાર નથી, પરંતુ સમાજના નાગરિકોને ઘડનાર માર્ગદર્શક છે. ગુણવત્તાયુક્ત શિક્ષણના માધ્યમથી નવી પેઢીનું ભવિષ્ય ઘડવામાં શિક્ષકોની ભૂમિકા નિર્ભર અને વિશાળ છે.
આ કાર્યક્રમ દરમિયાન સંચાલક મંડળના પ્રમુખ, હોદ્દેદારો, શિક્ષક સંઘોના પ્રતિનિધિઓ, નવનિયુક્ત શિક્ષકો તેમજ તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને પ્રેરણાદાયક માહોલમાં સંપન્ન થયો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫ દરમિયાન વલસાડ જિલ્લામાં તબક્કાવાર રીતે કુલ ૨૬૬ શિક્ષકો અને ૬ આચાર્યની નિમણૂક કરવામાં આવી છે, જે જિલ્લા સ્તરે શિક્ષણની ગુણવત્તા અને ઉપલબ્ધિમાં નોંધપાત્ર વધારો કરશે તથા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.





