સાવધાન આવી રહ્યું છે લોપાર તોફાન

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે, તો મધ્ય ગુજરાત સહિતના વિસ્તારો હજીય કોરા છે. પરંતુ હવે દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં ભારે તોફાન આવે તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે તોફાન સ્વરૂપે ફેરવાઈ ગયું છે. આ તોફાનનું નામ લોપાર છે. ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારા સહિતના વિસ્તારો પર આ લોપાર તોફાન ત્રાટકી શકે છે.
હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે બંગાળની ખાડી પર સર્જાયેલું આ લો પ્રેશર શુક્રવારે ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારા પર તોફાનનું સ્વરૂપ લઈ રહ્યું છે. હાલ આ તોફાન જગન્નાથપુરીથી 50 કિલોમીટર દૂર છે.
જો કે હવામાન વિભાગની આગાહી છે કે ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધતા પહેલા આ તોફાન આગામી 24 કલાકમાં નબળું પડી જશે. જેને કારણે આગામી 2-3 દિવસ સુધી સામાન્ય સ્થિતિ અને વરસાદ રહે છે. હાલ દેશના દરિયાકિનારાના વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસોમાં દેશના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શનિવારે એટલે કે આજે ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, દક્ષિણ કર્ણાટક, વિદર્ભ સહિતના વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પડશે. તો 21 જુલાઈએ ગુજરાત આખામાં અને 22 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છમાં જબરજસ્ત વરસાદ પડશે.
આગામી પાંચ દિવસમાં કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકના કિનારાના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો 20 જુલાઈએ આંધ્રપ્રદેશના કિનારે, ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ, મરાઠાવાડામાં અતિભારે વરસાદની આગાહી છે.
ઉત્તર-પશ્ચિમ ભારતની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરખાંડ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ દિલ્હીમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાનમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
IMDએ આપેલી માહિતી પ્રમાણે આગામી 5 દિવસ સુધી હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.



