” ચૂંટણી પંચે અનુરાગ ઠાકુર પાસેથી કેમ નથી માંગ્યું એફિડેવિટ” : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના સાસારામથી ‘વોટર અધિકાર યાત્રા’ની શરૂઆત કરીને ચૂંટણી પંચ (EC) અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. મુખ્ય ચૂંટણી આયુક્ત (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ રાહુલે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ ભાજપની મદદથી ‘વોટ ચોરી’ કરી રહ્યું છે અને મતદારોના નામ યાદીમાંથી હટાવી રહ્યું છે. તેમણે પૂછ્યું કે, “જો હું વોટ ચોરીના આરોપો લગાવું તો મારી પાસે એફિડેવિટ માંગવામાં આવે છે, પરંતુ ભાજપના નેતા અનુરાગ ઠાકુર આવા જ આરોપો લગાવે તો તેમની પાસે એફિડેવિટ કેમ નથી માંગવામાં આવતું?”
રાહુલ ગાંધીએ કહ્યું કે, બિહારમાં અમે વોટર અધિકાર યાત્રા શરૂ કરી છે. પાછલા ઘણા સમયથી લોકોને શક થઈ રહ્યો હતો કે ચૂંટણીમાં ધાંધલી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં ધાંધલી કરવામાં આવી. બીજેપીને બધા જ નવા વોટ મળી રહ્યાં છે. ચૂંટણી પંચને પૂછવામાં આવે છે તો તેઓ જણાવે છે કે, અમારે તમને કંઈ જ સમજાવવું નથી. સીસીટીવી માંગવામાં આવે તો કહે છે કે સીસીટીવી ફૂટેજ આપીશું નહીં. ઈલેક્ટ્રોનિક વોટર લિસ્ટ માંગવામાં આવે તો તે પણ આપવાથી ઈન્કાર કરી દે છે.
કોગ્રેસ નેતાનું કહેવું છે કે, ચૂંટણી પંચે આજે પ્રેસકોન્ફ્રન્સ કરી છે. હું પૂછું છું કે, તમે સીસીટીવીનો કાયદો બનાવ્યો તો પછી બદલ્યો કેમ? શું તમને ખ્યાલ છે કે, મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર કોઈ કેસ કરી શકતું નથી. કોઈ પણ કોર્ટ કેસ કરી શકતી નથી. આ કાયદો કેમ બનાવવામાં આવ્યો? અસલમાં આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો છે કેમ કે મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર કોઈ કેસ નોંધાવે નહીં. આ કાયદો પીએમ મોદી અને અમિત શાહે બનાવ્યો છે, જેથી વોટ ચોરી કરવામાં આવી શકે. પરંતુ અમે વોટ ચોરી થવા દઈશું નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી અને ચૂંટણી પંચ તે સમજી લે કે હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી. વોટ ચોરીનું સત્ય હિન્દુસ્તાનના દરેક નાગરિક સામે રાખીશું. અહીંની પોલીસે બેરિકેડ લગાવી દીધા, જેથી અમે આગળ જઈ શકીએ નહીં, પરંતુ અમે બેરિકેડ સુધી આવી ગયા. તમે પણ આવી જાઓ. આ છે બિહારની શક્તિ.
રાહુલ ગાંધીના મુખ્ય આરોપો
વોટર લિસ્ટમાં હેરફેર: રાહુલે દાવો કર્યો કે બિહારમાં 65.6 લાખ મતદારોના નામ વોટર લિસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે, ખાસ કરીને મુસ્લિમ બહુલ વિસ્તારોમાં. તેમણે આને લોકતંત્ર પરનો હુમલો ગણાવ્યો.
મહારાષ્ટ્રનું ઉદાહરણ: તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે ‘જાદુ’થી 1 કરોડ નવા મતદારો ઉમેર્યા, અને આ નવા મતદારોના વોટ ભાજપના ગઠબંધનને મળ્યા.
CCTV અને ડિજિટલ લિસ્ટની માંગ: રાહુલે જણાવ્યું કે ચૂંટણી પંચે CCTV ફૂટેજ અને ડિજિટલ મતદાર યાદી આપવાનો ઇનકાર કર્યો, જેનાથી પારદર્શિતા પર સવાલો ઉભા થાય છે.
કાયદામાં ફેરફાર: તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુખ્ય ચૂંટણી આયુક્ત વિરુદ્ધ કેસ ન થઈ શકે તેવો કાયદો બનાવ્યો, જેથી ‘વોટ ચોરી’ થઈ શકે.
બિહારની શક્તિ: રાહુલે કહ્યું કે પોલીસે બેરિકેડ લગાવીને લોકોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બિહારની જનતા અને મહાગઠબંધનના નેતાઓએ તેને તોડીને આગળ વધ્યા. તેમણે ઉમેર્યું કે, “અમે અને તેજસ્વી યાદવ ન તો મોદીથી ડરીએ છીએ, ન શાહથી, ન ચૂંટણી પંચથી.”
રાહુલ ગાંધીએ બિહારના સાસારામમાંથી ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરી, જે 16 દિવસમાં 23 જિલ્લાઓને આવરી લેશે. આ યાત્રામાં RJD નેતા તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂપેશ બઘેલ, મુકેશ સાહની અને લેફ્ટ પાર્ટીઓના નેતાઓ સામેલ થયા. તેજસ્વીએ આ યાત્રામાં ચૂંટણી પંચ પર ‘વોટની ડકેતી’નો આરોપ લગાવ્યો અને કહ્યું કે, “બિહાર લોકતંત્રની જનની છે, અહીં લોકતંત્રની હત્યા નહીં થવા દઈએ.”
મુખ્ય ચૂંટણી આયુક્ત ગ્ઞાનેશ કુમારે રાહુલના આરોપોને ‘નિરાધાર’ ગણાવ્યા અને કહ્યું કે, “રાહુલ ગાંધીએ 7 દિવસમાં એફિડેવિટ આપવું પડશે, નહીં તો દેશની માફી માંગવી પડશે.” તેમણે બિહારના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને પારદર્શક ગણાવ્યું અને કહ્યું કે 22 લાખ મૃત મતદારોના નામ છેલ્લા ઘણા વર્ષોથી યાદીમાં હતા, જે હવે હટાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે વિપક્ષને 15 દિવસમાં દાવા-વાંધાઓ નોંધાવવા જણાવ્યું.




