RAJKOT CITY / TALUKOVINCHCHHIYA

Rajkot: વીંછિયા તાલુકા પંચાયત કચેરી ખાતે સંકલન-સમીક્ષા બેઠક યોજાઈ

તા.૧/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ભારે વરસાદ વચ્ચે ભાદર નદીમાં તણાતી ગાયનો આબાદ બચાવ કરવા બદલ ટીમને રૂ. ૫૦૦૦ અને પ્રમાણપત્રથી સન્માન કરાઈ

Rajkot: રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાની પંચાયત કચેરી ખાતે ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોની વીંછિયા પંથકની કામગીરી અંગે સંકલન-સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્માબેન રાઠવાની ઉપસ્થિતિમાં વીંછિયા તાલુકાના નાગરિકોને લાગતા પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નોની સમીક્ષા કરીને સકારાત્મક ઉકેલ લાવવા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વિવિધ કચેરીઓને સંકલન કરીને ચાલુ વિકાસ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં આવેલી વરસાદી આફત વખતે વિંછીયા તાલુકાના ગોરૈયા ગામમાં ભાદર નદીના પ્રવાહમાં ગાય તણાઈ જતાં જસદણ નગરપાલિકાની ચીફ ફાયર ટીમને તાત્કાલિક બોલવવામાં આવી હતી. ટીમના તરવૈયાઓએ સલામત સ્થળે ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને અબોલ પશુનો જીવ બચાવ્યો હતો. તેમજ રાજકોટ એનિમલ હેલ્પલાઇનના ડોક્ટરની ટીમ દ્વારા ગાયની પ્રાથમિક સારવાર કરાઈ હતી.

આથી, આ તકે વિંછીયા વહીવટી તંત્રે રાહત-બચાવની ટીમને ગાયનું રેસ્ક્યુ કરવાની પ્રશંસનીય કામગીરી કરવા બદલ રૂ. ૫૦૦૦ રોકડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ બેઠકમાં પંચાયત, વીજ, આરોગ્ય, પાણી પુરવઠા સહિતના વિવિધ વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!