Vinchchhiya: વીંછિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં દિવ્યાંગ સાધન સહાય કેમ્પનો પ્રારંભ
તા.૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
કૃત્રિમ હાથ-પગ સ્થળ પર જ બનાવીને દિવ્યાંગોને વિનામૂલ્યે વિતરણ: કેમ્પમાં દિવ્યાંગોની કલ્યાણકારી સેવાઓનો લાભ અપાયો
મંત્રીશ્રીએ દિવ્યાંગજનો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરીને માનવતાવાદી અભિગમ દાખવ્યો
Rajkot, Vinchchhiya: ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના વીંછિયામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પનો પ્રારંભ કરાયો હતો. જેમાં દિવ્યાંગોને કેમ્પમાં જ સાધનો સરળતાથી મળી રહે તે માટે તેમને ઉપયોગી કૃત્રિમ હાથ-પગ સ્થળ પર જ બનાવીને વિનામૂલ્યે અપાયા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્યું હતું કે દિવ્યાંગ વ્યકિતઓ સમાજમાં સ્વામાનભેર સ્વનિર્ભર જીવન જીવી શકે, તે માટે દિવ્યાંગજનોને સહાયરૂપ બનવા અને તેઓને સામાજિક પ્રવાહ સાથે જોડી રાખવા, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રીપદે હતા ત્યારથી સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામરૂપે દિવ્યાંગો શારીરિક ઉણપ સાથે પણ મક્કમ મને જીવન નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે આ કેમ્પમાં દિવ્યાંગોને અપાતી સેવાઓ તેમના રોજિંદા જીવનમાં ઉપયોગી થશે, તેવી આશા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જન્મથી કે અકસ્માત થવાથી કોઈ વ્યક્તિ દિવ્યાંગ બન્યા હોય તો તેઓ સામાન્ય વ્યક્તિ કરતાં ઉતરતી કક્ષાના બિલકુલ નથી. દિવ્યાંગો શારીરિક કે માનસિક રીતે અસહાયતાની લાગણી ના અનુભવે, તે જોવાની નૈતિક જવાબદારી સમાજની છે. વર્તમાનમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ દિવ્યાંગજનો ઉન્નત મસ્તકે જીવન વ્યતીત કરી શકે, તેવા ઉમદા આશયથી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનું સુદ્રઢ અમલીકરણ થઈ રહ્યું છે.
એલીમ્કો કંપની અને એસ.આર. કંપનીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે પ્રતિનિધિરૂપ એક લાભાર્થીને સાધન અને ત્રણ લાભાર્થીઓને બસ પાસ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૧૨૨ દિવ્યાંગોને બોલાવાયા હતા. કાર્યક્રમમાં આશરે ૩૦ લાભાર્થીઓને બસમાં વિનામૂલ્યે
મુસાફરીના પાસનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં દિવ્યાંગોનું નિઃશુલ્ક પરીક્ષણ અને કેલીપર્સ, કૃત્રિમ હાથ-પગ જેવા સાધનોના વિતરણ ઉપરાંત સંત સુરદાસ યોજના, મનોદિવ્યાંગોને પેન્શન, યુ.ડી.આઇ.ડી. કાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર સહિતની સેવાઓનો લાભ અપાયો હતો.
આ તકે મંત્રીશ્રીએ માનવતાવાદી અભિગમ દાખવીને દિવ્યાંગજનો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી. તેમજ દિવ્યાંગોની સેવાઓના સ્ટોલની મુલાકાત લઈને દિવ્યાંગોને કેમ્પમાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. કાર્યક્રમમાં મહાનુભવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન તાલુકા આરોગ્ય સુપરવાઈઝરશ્રી એન. એચ. ગામેતી એ કર્યું હતું.
આ કાર્યક્રમમાં વીંછિયા મામલતદારશ્રી આર. કે. પંચાલ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર રાજા ખાંભલા તાલુકા વિકાસ અધિકારીશ્રી પાર્થરાજસિંહ પરમાર, અશ્વિનભાઈ સાંકળીયા, લાલભા ગઢવી, વિનુભાઈ વાલાણી સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.