સેક્સ, જાતીયતા અને સ્ત્રી-પુરુષના સંબંધો વિશેની આઠ માન્યતાઓ
શું જાતીયતા જન્મજાત હોય છે? શું મહિલા પુરુષની ભૂમિકા કુદરતી પરિબળોને કારણે વિકસી છે? શું એક જ જીવનસાથીની વાત છોડી દઈએ તો વધારે સુખી થઈશું? આવી આઠેક બાબતો છે જેના વિશે સતત ચર્ચા થતી રહે છે.
આજે પણ સેક્સ જેવા વિવાદાસ્પદ વિષયમાં ઘણી ગેરમાન્યતાઓ છે. તેમાંથી જ કેટલીક બાબતોની ચર્ચા અહીં કરી છે:
આપણે હજી ‘ગે જીન’ શોધી શક્યા નથી
સજાતીય સંબંધો વિશે ચકચારભર્યા સમાચારો આવતા રહે છે, પણ સાચી વાત એ છે કે હજી સુધી સજાતીયતાના જિનેટિક્સની શોધ વિજ્ઞાનીઓ કરી શક્યા નથી.
લેખક બ્રૅન્ડન ઍમ્બ્રોસિનો જણાવે છે તે પ્રમાણે જાતીય વૃત્તિ માટે માત્ર જૈવિક પરિબળોને જવાબદાર ઠરાવી શકાય તેમ નથી. સમય અને સંજોગો અનુસાર આપણી કામેચ્છામાં પરિવર્તન આવતું રહે છે.
ટૅસ્ટોસ્ટેરોનને કારણે સ્ત્રીની કામેચ્છાને તીવ્ર કરી શકાતી નથી
પુરુષની જાતીયતા સાથે સંકળાયેલા હોર્મોન ટૅસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું હોય તેના કારણે મહિલાઓમાં ઓછી કામેચ્છા હોય તેવી વાતને સાબિત કરવા માટે બહુ ઓછા પુરાવા ઉપલબ્ધ છે.
સંશોધનોમાં આ હોર્મોનથી ફાયદો થતો ના હોવાનું જોવા મળ્યું હોવા છતાં મહિલાઓ આજેય કામેચ્છા વધારવા માટે ડૉક્ટર પાસે આની દવા માગતી હોય છે.
આવી ઘણી બાબતો છે જે દર્શાવે છે કે તબીબીશાસ્ત્ર હજી મહિલાની કામેચ્છાને સંપૂર્ણપણે સમજી શક્યું નથી.
બાળકો લિંગભેદને પારખી શકતાં નથી
બચપણમાં લિંગભેદને પારખવાની ક્ષમતા હજી વિકસી હોતી નથી.
ઘણાં નાનાં બાળકો એવું પૂછતાં હોય છે કે પોતે મહિલા છે કે પુરુષ. જોકે આવું પૂછનારાંમાંથી માત્ર 10 ટકા બાળકો જ ટ્રાન્સજેન્ડર નીકળતાં હોય છે.
મહિલા કે પુરુષનાં લક્ષણો પારખવામાં નિષ્ફળતા મળતી હોય તે બાબતને વધારે સારી રીતે સમજવાની જરૂર છે, કેમ કે પુખ્ત થતી વખતે જો આવી મૂંઝવણ હોય તો તેના કારણે કિશોર કિશોરીને ડિપ્રેશન આવી શકે છે અને ઘણા કિસ્સામાં આત્મહત્યાની વૃત્તિ પણ જાગતી હોય છે.
જેન્ડરની વ્યાખ્યાને નવેસરથી કંડારનારા કલાકાર
સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતીભેદને કારણે ઊભા થતા પ્રશ્નો કંઈ આપણી જ પેઢી માટે સમસ્યારૂપ હોય તેવું નથી.
દાયકાઓ અગાઉ મિલી સાયરસ, ડેવિવ બૉવી કે ગ્રેસન પેરીની પણ પહેલાં એક ફ્રેન્ચ કલાકાર ક્લૉડ કાઉને સમાજનાં સ્ત્રી-પુરુષ આધારિત ભૂમિકાની માન્યતાઓને પડકાર ફેંક્યો હતો.
1894માં તેમનો જન્મ લ્યુસી શ્વૉબ તરીકે થયો હતો, પણ તેમણે પોતાનું નામ બદલીને ક્લૉડ કરી નાખ્યું હતું. ફ્રેન્ચમાં ક્લૉડ નામ સ્ત્રી અને પુરુષ બંનેનું હોય છે.
પોતાની ઓળખ કઈ તે વિશે પૂછવામાં આવે ત્યારે તેઓ કહેતાં અથવા કહેતા: “કાર્ડને ચીપો. પૌરુષેય છે? સ્ત્રૈણ છે? સંજોગો પર બધું આધારિત છે. મને તો બંને સિવાયની નાન્યતર જાતિ જ સૌથી વધારે ફાવે છે.”
ઘણી પ્રજાતીઓ ઊભયલિંગી હોય છે
પશુપ્રાણીઓની દુનિયામાં સેક્સ કેવી રીતે હશે તે વિશે આપણે બહુ બ્લેક એન્ડ વ્હાઇટમાં જ વિચારીએ છીએ – એવું ધારીને જ ચાલીએ છીએ કે નર અમુક રીતે વર્તશે અને બધી જ માદાઓ અમુક પ્રકારની લાગશે અને અમુક રીતે વર્તશે.
પરંતુ હવાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મરીન બાયૉલૉજીના જોઆન રોગગાર્ડન કહે છે કે ઘણી પ્રજાતિઓમાં સજીવ બંને પ્રકારના લિંગ દર્શાવે છે.
નર કે માદા જે સ્વરૂપ ધારણ કરે ત્યારે તે રીતે વર્તે છે અને એવું જ રૂપ થઈ જાય છે. બ્લ્યૂગીલ સનફીશની જુદી જુદી ત્રણ પ્રકારની પુરુષ જાતિ છે. તેમાંથી એક પ્રકારની નર માછલી એવી હોય છે જે નર-નારીની જોડી સાથે પોતાનો સંબંધ જોડવાની કોશિશ કરે – મનુષ્યોમાં હોય તેવું બહુપતિત્વ.
સ્ત્રી અને પુરુષના સંબોધન માટેનાં સર્વનામ બદલવાની જરૂર છે
અંગ્રેજીમાં પુરુષ માટે હી અને સ્ત્રી માટે શી સર્વનામ વપરાય છે, પણ સ્ત્રી અને પુરુષ સિવાય માત્ર વ્યક્તિ તરીકે સંબોધન કરવા માટેનો કોઈ ત્રીજો શબ્દ નથી.
આવો કોઈ શબ્દ હોય તો તે કેવો હોય? તમને એવું પણ લાગશે કે આવું વેવલાપણું આધુનિકયુગમાં જ જોવા મળતું હોય છે.
સાચી વાત એ છે કે સદીઓથી સ્ત્રી અને પુરુષની જાતી ના દર્શાવે તેવાં સર્વનામ માટેની કોશિશ થતી રહી છે. (કવિ સેમ્યુઅલ ટેયલરે પણ તેના માટે મથામણ કરી હતી.) અંગ્રેજી ભાષામાં આ માટે ‘they’, ‘ve’, ‘ze’, or ‘ou’ જેવાં સર્વનામ સૂચવાતાં રહ્યાં છે. ભારતીય ભાષાઓમાં ‘તે’ એવું કહીએ તો ચાલી જાય તે સાચું નથી, કેમ કે ક્રિયાપદમાં જાતિ સ્પષ્ટ થઈ જતી હોય છે.
કામેચ્છાથી પર થઈ જવાનો પ્રવાહ
દુનિયામાં ગે લોકોની સંખ્યા વધી રહી છે, તેવી જ રીતે કામેચ્છાથી પર થઈ જનારા લોકોનો પણ એક વર્ગ તૈયાર થઈ રહ્યો છે.
જૂના સમયમાં પણ કામાવેગથી મુક્ત માનવીઓ થતા રહ્યા છે, પણ હાલના સમયમાં જ તેની ચર્ચા વધારે થાય છે. 2003માં અસેક્સુઆલિટી વિઝિબિલિટી ઍન્ડ ઍજ્યુકેશન નેટવર્ક તૈયાર થયું ત્યારે તેમાં માત્ર 391 સભ્યો થયા હતા.
આજે તે નેટવર્કના સભ્યોની સંખ્યા 80,000ને વટાવી ગઈ છે. આજે સેક્સની ભરમાર વધી છે ત્યારે આ માનવીઓ એવું દર્શાવવા માગે છે કે સુખી અને સ્વસ્થ જીવન જીવવા માટે કંઈ સંસર્ગ જરૂરી નથી હોતો.
બહુસાથીવાદમાં મુશ્કેલી બીજા લોકોના અભિગમની હોય છે
એકથી વધુને પ્રેમમાં કરવા માનનારા લોકો લાંબો સમય સુધી એકથી વધુ સાથી સાથે ગાઢ પ્રેમાળ સંબંધો રાખી શકતા હોય છે.
તેમની જીવનશૈલી પ્રામાણિક અને પારદર્શી હોય છે – પોતાના એક સાથીને છેતરીને કે તેને અંધારામાં રાખીને બીજા સાથે છાનગપતિયા કરવાની વાત આમાં નથી હોતી.
દંપતિ પ્રેમથી એકમેકની સાથે રહેતાં હોય તેટલા પ્રેમથી જ આમાં સાથીઓ રહેતા હોય છે અને એકથી વધારે પ્રેમીઓ છે તે જાણતા હોય છે. તેમાં કોઈ ઈર્ષાનો ભાવ પણ હોતો નથી.
આવા સંબંધોમાં રહેતી વ્યક્તિઓ એકબીજાથી ખુશ હોય છે, પણ સમસ્યા સમાજની હોય છે. બીજા લોકો નાકનું ટીચકું ચડાવતા હોય છે અને આવી રીતે બહુપતિ કે બહુપત્નીત્વ સાથેના કુટુંબમાં બાળકો માટે વિમાણસભરી સ્થિતિ થતી હોય છે.