પતિ-પત્નીનું આ પ્રકારનું વર્તન સંબંધમાં મધુરતાથી ભરી દેશે

ખુશહાલ અને મજબૂત સંબંધનો પાયો છે. પ્રેમ, ભરોસો અને સમજદારી. આ ત્રણેયમાંથી એકની પણ કમી જો સંબંધમાં જણાય તો સંબંધમાં વાદ વિવાદ અને ઝઘડા થવા સ્વાભાવિક છે. તો સંબંધમાં મધુરતા લાવવા માટે આ ટિપ્સને અનુસરો.
જરૂરી છે વિશ્વાસ
પાર્ટનરનું દિલ આપ વિશ્વાસથી પણ જીતી શકો છો. પતિ-પત્ની વચ્ચે જો વિશ્વાસ જ સ્થાપિત ન હોયતો નાની-નાની વાતોમાં ઝઘડા થાય છે. ખુશહાલ સંબંઘનો પાયો વિશ્વાસ છે. સંબંધમાં પરસ્પર વિશ્વાસ કેળવવો જરૂરી છે.
સન્માન પણ જરૂરી
આમ જોઈએ તો દરેક સંબંધમાં સન્માન મહત્વનું અંગ છે. દરેક વ્યક્તિ તેનું માન જળવાય તેવું ઇચ્છે છે. જો સન્માન ન હોય તો પણ સંબંધમાં દરાર પડી શકે છે. પતિ-પત્નીએ પણ પ્રેમ વિશ્વાસની સાથે એકબીજાને રિસ્પેક્ટ કરવું જરૂરી છે. જો બંનેના મનમાં એકબીજા પ્રત્યે સન્માનનો ભાવ હશે તો સંબંધ વધુ ગાઢ અને મજબૂત બનશે.
સરપ્રાઈઝ ગિફ્ટ
લગ્નજીવનમાં વર્ષો બાદ ક્યારેક પતિ-પત્નીના સંબંધાં શુષ્કતા આવી જાય છે. જો આ સંબંધને તરોતાજા રાખવો હોય તો એકબીજાની પસંદગીની વસ્તુની ગિફ્ટ આપતા રહો. સરપ્રાઈઝ ગિફ્ટ આપવાથી રોમાંચ વધે છે અને સંબંધમાં એક પ્રકારનું નાવીન્ય લાવી શકાય છે.
ક્વોલિટી ટાઇમ આપો
આજની વ્યસ્તાભરી લાઈફમાં પ્રેમના પોૌધાને ઉછેરવા માટે તેને સમયથી સીંચવો પણ જરૂરી છે. એકબીજા સાથે ક્વોલિટી સમય વિતાવવાથી પ્રેમનો અહેસાસ તાજા રહે છે અને બંને વચ્ચેની આત્મિયતા પણ વધે છે. વીકએન્ડમાં કોઈ સારા સ્થળે જઇને પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો.
સ્પેસ આપો
લગ્ન બાદ કપલની જિંદગી પુરી રીતે બદલી જાય છે. કેટલીક વખત પાર્ટનર પર સંબંધનું એટલું બધું આધિપત્ય વધી જાય છે કે તે પાર્ટનર ગૂંગળાવા લાગે છે અને સંબંધમાં બંધન અનુભવે છે. દરેક વ્યક્તિને તેની પર્સનલ સ્પેસ જોઈતી હોય છે, સંબંધના સ્વાસ્થ્ય માટે પાર્ટનરને પર્સનલ સ્પેસ આપો.
પ્રશંસા કરવી જરૂરી
લગ્નના થોડા સમય બાદ સંબંધમાં આવતી શુષ્કતા અને અંતરનું કારણ એ પણ છે કે એકબીજા પાર્ટનર પ્રશંસા કરવાનું બંધ કરી દે છે. નાની-નાની વાતો પર પણ તેના વખાણ કરવાથી સંબંધમાં મધુરતા બની રહે છે.
કામકાજમાં સહયોગ
લગ્નના બંધનમાં બંધાયેલા કપલે એકબીજાને દરેક પરિસ્થિતિમાં સાથ સહકાર આપવો જોઇએ.આવું કરવાથી પાર્ટનરને એક પ્રકારનો મોરલ સપોર્ટ મળી રહે છે. પાર્ટનરને ઘરકામથી માંડીને દરેક કામમાં સહયોગ અને સહકાર આપો.
રકઝક પણ જરૂરી
પતિ-પત્ની વચ્ચે રકઝક પણ જરૂરી છે. એક ઘરેડમાં ચાલતા સંબંધમાં ખાટી-મીઠી તકરાર ન થાય તો સંબંધ મૃત થવા લાગે છે. રિલેશનશિપને આ તકરાર જીવંત રાખે છે. જો કે આ તકરાર પણ પ્રેમભરી હોવી જોઇએ જેમાં કડવાશ કે એકબીજા પ્રત્યે પૂર્વગ્રહ ન હોવા જોઇએ.




