નવરચના માધ્યમિક શાળા સાગબારામાં વર્ષ–૨૦૦૦ના ધોરણ–૧૦ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ૨૫ વર્ષ પૂર્ણ થતાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો,

નવરચના માધ્યમિક શાળા સાગબારામાં વર્ષ–૨૦૦૦ના ધોરણ–૧૦ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ૨૫ વર્ષ પૂર્ણ થતાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો,
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
સાગબારા, મંગળવાર :- સાગબારા ખાતે આવેલી નવરચના માધ્યમિક શાળામાં વર્ષ–૨૦૦૦ના ધોરણ–૧૦ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળા છોડ્યા બાદ ૨૫ વર્ષ પૂર્ણ થતાં ભાવસભર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાંબા સમય બાદ એકબીજાને મળવાની ખુશી સાથે સ્મૃતિઓ તાજી બની હતી.
કાર્યક્રમ દરમિયાન શાળા પરિવાર દ્વારા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના વડા ફાધર પ્રવિણ તથા શાળાના આચાર્ય રતિલાલ ચૌધરીનું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાલ, સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળાકાળના સંસ્મરણો યાદ કરી શાળામાંથી મળેલ સંસ્કાર, શિસ્ત અને જીવનમૂલ્યોના મહત્વ વિશે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા તથા વર્તમાન પેઢીને પ્રેરણા આપતો સંદેશ આપ્યો હતો. સાથે જ, શાળાના ભૂતપૂર્વ શિક્ષકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ શિક્ષકોએ પ્રેરણાદાયી ઉદબોધન કરી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાની લાઇબ્રેરી માટે ત્રણ કબાટ ભેટરૂપે આપવામાં આવ્યા હતા, જે શાળા માટે ઉપયોગી સાબિત થશે.
૨૫ વર્ષ બાદ એકબીજાને મળીને સૌએ આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દ, સ્મૃતિઓ અને લાગણીસભર માહોલમાં સંપન્ન
થયો હતો.




