દેવમોગરા ખાતે મહા શિવરાત્રીના પર્વે યાહા મોગી માતાના મંદિરે આગામી તા.૧૫ થી ૧૯ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ
પાંચ દિવસીય ભાતીગળ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લાખો શ્રદ્ધાળુઓ, આદિવાસી સમુદાયના લોકો ઉત્સાહભેર ઉમટી પડે છે,

દેવમોગરા ખાતે મહા શિવરાત્રીના પર્વે યાહા મોગી માતાના મંદિરે આગામી તા.૧૫ થી ૧૯ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
પાંચ દિવસીય ભાતીગળ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લાખો શ્રદ્ધાળુઓ, આદિવાસી સમુદાયના લોકો ઉત્સાહભેર ઉમટી પડે છે,
નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આવેલા આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર અને કુળદેવી યાહા મોગી પાંડોરી માતાના પવિત્ર ધામ ખાતે પ્રતિવર્ષ મહા શિવરાત્રિના પાવન પર્વે પરંપરાગત ભાતીગળ મેળો યોજાય છે. આ વર્ષે આગામી તા.૧૫મી થી ૧૯ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન યોજાનારા મેળાના આયોજન સંદર્ભે દેડિયાપાડાના પ્રાંત અધિકારી જુહી પાંડેની અધ્યક્ષતામાં મંદિર પરિસર ખાતે બેઠક યોજાઈ હતી. ભાતીગળ મેળાની થનારી આ ભવ્ય ઉજવણીના સુચારૂ આયોજન અંગે તમામ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે સંબંધિત વિભાગોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ સુપેરે નિભાવી મંદિર ટ્રષ્ટના આગેવાનો સાથે સંકલનમાં રહીને મેળામાં આવતા યાત્રિકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે જોવા પ્રાંત અધિકારીઓ સૌને ખાસ અનુરોધ કર્યો હતો.
નાયબ પોલીસ અધિક્ષક રવિન્દ્ર દેવધા, સાગબારાના મામલતદાર , પી.આઈ. જે.એમ.લતા, એઆરટીઓ નિમિષા પંચાલ, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ તેમજ સાર્વજનિક દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ નાનસિંગભાઈ વસાવા અને ટ્રષ્ટી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા પ્રાંત અધિકારીએ મેળા દરમિયાન કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, પીવાના સ્વચ્છ પાણી, સતત વિજ પુરવઠાની જાળવણી, આરોગ્ય સુવિધા, વધારાની એસ.ટી. બસોની રૂટની સેવા, મેળાના સ્થળે સ્વચ્છતા જાળવવા, યાત્રાળુઓ માટે સેનીટેશનની વ્યવસ્થા, ફાયર બ્રિગેડ, રસ્તા રિપેરિંગ જેવી બાબતો સુનિશ્વિત કરી લેવા જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિરે હવે રાજસ્થાન સહિત દેશભરના આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યોના નાગરિકો દર વર્ષે યોજાતા પારંપરિક ભાતીગળ મેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓ-યાત્રાળુઓ માતાજીના દર્શનાર્થે આવીને આ મેળામાં ઉત્સાહભેર ભાગ લે છે, ત્યારે દર્શનાર્થીઓને મેળા દરમિયાન કોઇ તકલીફ ન પડે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી સુચારુ આયોજન સાથે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા સાથે વીવીઆઈપી મહાનુભાવો આવે ત્યારે તેમને પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા પુરી પાડવા અંગે પણ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.
દેવમોગરા ખાતે યોજાનારા યાહા મોગી પાંડોરી માતાજીના મેળા દરમિયાન મંદિર પરિસરમાં તેમજ મંદિરે જવાના મુખ્ય માર્ગમાં નિયત અંતરે લાઈટીંગની વ્યવસ્થા ઉભી કરવી. તદ્ઉપરાંત DGVCL દ્વારા વીજપુરવઠો સતત જળવાઈ રહે, આરોગ્ય વિભાગ દ્વારા મંદિર પરિસર તેમજ મેળાના સ્થળે તબીબો અને એમ્બ્યુલન્સ સાથેનો પેરામેડીકલ સ્ટાફ આવશ્યક દવાઓની ઉપલબ્ધિ સાથે તૈનાત કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીમાં ક્લોરીનેશનની પણ વ્યવસ્થા કરી છે. આસપાસના બંધ પડેલા હેન્ડપંપને રિપેરિંગ કરીને પાણીના સ્રોત ઊભો કરવા જણાવ્યું હતું. એસટી તંત્ર દ્વારા સેલંબા-ડેડીયાપાડા અને નેત્રંગ ખાતેથી વધારાની બસ સેવાઓની ઉપલબ્ધિ ઉપરાંત જિલ્લા વહિવટી અને પોલીસ તંત્ર દ્વારા મેળા દરમિયાન કંટ્રોલરૂમ પણ કાર્યરત રહેશે. કાયદો અને વ્યવસ્થાની સાથે ટ્રાફિક નિયમન કરવા પર ભાર મૂક્યો હતો.
શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રષ્ટના 450 ઉપરાંત સ્વયંસેવકો પણ સ્થાનિક બોલીમાં સંવાદ કરી લોકોને જરૂરી સેવાઓ પુરી પાડી વ્યવસ્થા અંગે દર્શનાર્થીઓને સમજ આપશે. વિવિધ સ્થળોએ જરૂરી સૂચના અંગેના શાઈન બોર્ડ પણ લગાડવા અને જંગલમાં આગજનીના બનાવો બને નહીં તેની તકેદારી રાખવા ફાયર વિભાગ, વન વિભાગ અને પોલીસ ચાંપતી નજર રાખશે. ડિઝાસ્ટર અંગેનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા પણ પ્રાંત અધિકારીશ્રીએ જણાવ્યું
હતું.



