કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડા ખાતે વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડા ખાતે વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
જેસંગ વસાવા : સાગબારા
નર્મદા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) દેડીયાપાડા ખાતે તાજેતરમાં જ “વિશ્વ કઠોળ દિવસ” (World Pulses Day)ની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કઠોળ દિવસનો મુખ્ય ઉદ્દેશ કઠોળ પાકોના પૌષ્ટિક, આર્થિક અને પર્યાવરણીય મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. કઠોળ પ્રોટીન, ફાઇબર, ઝિંક અને વિટામિન જેવા પોષક તત્વોથી સમૃદ્ધ હોવાથી માનવ આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે. સાથે જ જમીનની ઉર્વરતા વધારવામાં અને નાઈટ્રોજન સ્થિર રાખી જમીન સુધારવામાં કઠોળ પાકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.એચ.યુ.વ્યાસના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડો.એમ.વી. તિવારી દ્વારા કઠોળ વર્ગના પાકોના પૌષ્ટિક મૂલ્ય અને દૈનિક આહારમાં તેની જરૂરીયાત અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને કઠોળ પાકોના વધતા વાવેતર દ્વારા પોષણ સુરક્ષા તથા આર્થિક મજબૂતી મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા.
વિશ્વ કઠોળ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં ઉગાડાતા તુવેર, ચણા, મગ, અડદ વગેરે કઠોળ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, સુધારેલ જાતો, ખાતર વ્યવસ્થાપન અને જીવાત-રોગ નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને વધુ ઉત્પાદન અને વધુ આવક મેળવવા માટે આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા આગ્રહ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કઠોળ પાક સંબંધિત માહિતીપ્રદ ફોલ્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ ૩૩ જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભા
ગ લીધો હતો.



