સ્પેમ કોલ કે સ્પેમ મેસેજ પર અંકુશ લાદવામાં નિષ્ફળ રહેલી ટેલિકોમ કંપનીઓને રૂ.10 લાખ સુધીની પેનલ્ટી ફટકારવાનો નિર્ણય

કેન્દ્ર સરકારે ગ્રાહકોની સુરક્ષા મજબૂત કરતાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર પર આકરું વલણ દર્શાવ્યું છે. સ્પેમ કોલ કે સ્પેમ મેસેજ પર અંકુશ લાદવામાં નિષ્ફળ રહેલી ટેલિકોમ કંપનીઓને રૂ.10 લાખ સુધીની પેનલ્ટી ફટકારવાનો નિર્ણય જાહેર કર્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા(TRAI)એ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ (ટીસીસીસીપીઆર), 2018માં સુધારો કર્યો છે. જેનો ઉદ્દેશ ટેલિકોમ રિસોર્સનો દુરુપયોગ અટકાવવાનો તેમજ ગ્રાહકો માટે પારદર્શક કોમર્શિયલ કોમ્યુનિકેશન ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે.
ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓને આદેશ આપતાં જણાવ્યું કે, ટેલિકોમ કંપનીઓ રિયલ ટાઇમ સ્પેમ કોલની ઓળખ કરે. તેના માટે કોલ કે મેસેજની પેટર્નની તપાસ કરે. વારંવાર કોલ કરવો, ઓછા સમયમાં કોલ અને ઇનકમિંગ-આઉટગોઇંગ કોલનો રેશિયો વગેરેની તપાસ કરવી. જો કોઈ કંપની સ્પેમ કોલની યોગ્ય માહિતી આપી શકે નહીં અને તેના પર અંકુશ લાદવામાં નિષ્ફળ રહેશે તો તેણે પ્રથમ વખત રૂ. બે લાખ, બીજી વખત રૂ. પાંચ લાખ વારંવાર ભૂલ કરવા પર રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવશે. નવો નિયમ 30થી 60 દિવસમાં લાગુ કરાશે.
તમામ ટેલિકોમ કંપનીઓએ પોતાની ઍપ્લિકેશન તથા પોર્ટલ પર સ્પેમ કોલની ફરિયાદ નોંધાવવા માટે સરળ વિકલ્પ આપવો પડશે. ગ્રાહક ઈમેઇલ મારફત પણ પોતાની ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદની સમય મર્યાદા પણ ત્રણ દિવસથી વધારી સાત દિવસ કરવામાં આવી છે. જેથી ગ્રાહકો અનરજિસ્ટર્ડ સેન્ડર્સ દ્વારા મોકલવામાં સ્પેમ મેસેજ કે કોલને બ્લોક કર્યા વિના તેની વિરુદ્ધ સરળતાથી ફરિયાદ નોંધાવી શકશે.
જે ગ્રાહક કોમર્શિયલ મેસેજ ન ઇચ્છતા હોય તેમની પાસેથી 90 દિવસ પહેલાં કોઈપણ પ્રમોશનલ કંપની સહમતિ માગી શકશે નહીં. ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને પ્રમોશનલ મેસેજ બંધ કરવાનો વિકલ્પ આપવો પડશે. તદુપરાંત અગાઉ કોઈપણ રજિસ્ટર્ડ કે અનરજિસ્ટર્ડ સેન્ડરના સ્પેમ કોલ-મેસેજ વિરુદ્ધ છેલ્લા સાત દિવસમાં 10 ફરિયાદ નોંધાયા બાદ જ કાર્યવાહી કરવામાં આવી હતી. જે હવે 10 દિવસમાં તેની વિરુદ્ધ પાંચ ફરિયાદો નોંધાઈ તો પણ કાર્યવાહી કરવા મંજૂરી આપી છે. આ સુધારાથી સ્પેમર્સ પર ઝડપથી અંકુશ લાદી શકાશે.



