JAMNAGAR CITY/ TALUKOJUNAGADH

ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરતા ઊગ્ર વિરોધ

જુનાગઢમાં ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ ગઈકાલે દેવલોક પામ્યા હતા. તેમના નિવાસ ભીડ ભંજન મંદિર ખાતે સનાતની પરંપરા મુજબ સમાધી અપાઈ હતી. આજે ભીડભંજન ખાતે “ધૂળ લોટ વિધી હતી. ત્યારે, ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરતા બ્રહ્મલિન તનસુખગિરી બાપુના પરિવારજનો અને સમર્થકોએ ઊગ્ર વિરોધ કર્યો હતો અને યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવાર આપઘાત કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

જુનાગઢમાં ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદથી ગાદીને લઈ વિવાદ ઊભો થયો છે. ગઈકાલે સમાધી યાત્રા દરમિયાન જ ગાદીને લઈ ભવનાથનાં મહંત હરીગીરી બાપુ, ઈન્દ્ર ભારતી બાપુના જૂથ અને દત્તાત્રેય મંદિરનાં મહંત મહેશગીરી બાપુ વચ્ચે વિખવાદ થયો હતો. ત્યારે આજે ભીડભંજન ખાતે “ધૂળ લોટ વિધી” દરમિયાન ભવનાથનાં મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરતા વિવાદ ઊગ્ર બન્યો હતો. બ્રહ્મલીન તનસુખગીરીના પરિવાર અને સમર્થકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

બ્રહ્મલીન તનસુખગીરીના પરિવારજનોએ મહંત પ્રેમગીરીની જાહેરાત સામે ઊગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, અન્ય મહંતની ચાદર વિધિ કે જાહેરાત સ્વીકારાય નહીં. સાથે જ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે તનસુખગીરીની પરંપરાને યોગ્ય ન્યાય નહી મળે તો સમગ્ર પરિવાર આપઘાત કરશે. એવી પણ ચર્ચા છે કે આ મામલે હજું મોટો વિવાદ સર્જાય શકે છે. સ્થાનિક પોલીસે સ્થિતિની ગંભીરતા સમજીને ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી આદરી હતી.

Back to top button
error: Content is protected !!