AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખું જાહેર,૮ ઉપપ્રમુખ,૩ મહામંત્રી અને વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ગુજરાત પ્રદેશ ભાજપાનાં અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવાના હેતુથી નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ એમ.ગાવિત દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને રાજ્યના મોવડી મંડળ સાથે લાંબી ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નવી નિમણૂકોનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ નવા માળખામાં ડાંગના અંતરિયાળ વિસ્તારો અને જ્ઞાતિગત સમીકરણોને યોગ્ય પ્રાધાન્ય આપીને પક્ષના પાયાના કાર્યકરોને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જે આગામી સમયમાં પક્ષની કામગીરીને વેગ આપશે.મુખ્ય સંગઠનમાં વહીવટી પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે ૮ ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી છે, જેમાં વઘઈ તાલુકામાંથી દિનેશભાઈ ભોયે, યોહાનભાઈ કોકણી અને કલ્પનાબેન તુંબડા જ્યારે આહવા વિસ્તારમાંથી હરિરામભાઈ સાવંત, રમેશભાઈ ગાંગુર્ડે, રાજુભાઈ ભોયે અને સરલાબેન સોલંકી તેમજ સુબીરથી કાંતિલાલભાઈ રાઉતનો સમાવેશ થાય છે. સંગઠનની કરોડરજ્જુ ગણાતા મહામંત્રી તરીકે ધર્મશભાઈ પટેલ (વઘઈ), શંકરભાઈ પવાર (આહવા) અને બુધુભાઈ કામડી (સુબીર)ની નિમણૂક કરી ભૌગોલિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત, ૮ જેટલા મંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે જેમાં મહિલા પ્રતિનિધિત્વ પર વિશેષ ભાર મુકાયો છે. સંગઠનમાં કોષાધ્યક્ષ તરીકે મયુરભાઈ પટેલ અને કાર્યાલય મંત્રી તરીકે મેરીશભાઈ પવાર કાર્યભાર સંભાળશે.વિવિધ સમાજ અને વર્ગોને પક્ષ સાથે જોડવા માટે સાત પાંખ એટલે કે મોરચાઓના પ્રમુખ અને મહામંત્રીઓની પણ જાહેરાત કરાઈ છે. યુવા મોરચાના સુકાની તરીકે આઝાદસિંહ બધેલ, મહિલા મોરચામાં યોગિતાબેન બાગુલ અને કિસાન મોરચામાં મધુકરભાઈ ભોયેની વરણી પક્ષની રણનીતિ સ્પષ્ટ કરે છે. આ સાથે બક્ષીપંચ મોરચો, એસ.સી. મોરચો, એસ.ટી. મોરચો અને લઘુમતી મોરચાના માળખા પણ સંપૂર્ણ રીતે કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આધુનિક સમયમાં પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયા, આઈ.ટી. અને મીડિયા ઈન્ચાર્જની અલગ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આ નિમણૂકોની જાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના નેતાઓને પત્ર દ્વારા કરી દેવામાં આવી છે, જેનાથી સમગ્ર જિલ્લાના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે..

Back to top button
error: Content is protected !!