વાવ થરાદ જિલ્લામાં 76મો વન મહોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વૃક્ષારોપણ દ્વારા હરિયાળું થરાદ બનશે જિલ્લા સ્તરે ઉમદા આયોજન પર્યાવરણના રક્ષણ અને હરિયાળું ગુજરાત નિર્માણના હેતુસર રાજ્યભરમાં ચાલી રહેલા 76મા વન મહોત્સવ અંતર્ગત થરાદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા સત્તાકીય કચેરીઓ તેમજ જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા.
કાર્યક્રમનું મુખ્ય આયોજન કલેકટર કચેરી, માર્કેટ યાર્ડ તથા નવી બનેલી તાલુકા પંચાયત બિલ્ડિંગના પરિસરમાં કરવામાં આવ્યું હતું. સ્થળ પર સ્થાનિક નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ શ્રી પરબત પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે “વૃક્ષો આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે. દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું અને તેનું સંરક્ષણ કરવું એ પર્યાવરણ પ્રત્યેની ફરજ છે.”
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, વન વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા શિક્ષણ અધિકારી તથા અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગ દ્વારા વિવિધ જાતના છાયા અને ફળદાર છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વન વિભાગના અધિકારીએ વન મહોત્સવના ઇતિહાસ અને તેનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે, “કનૈયાલાલ માણેકલાલ મુનસીએ વન મહોત્સવનીશરૂઆત કરી હતી, જેનો હેતુ વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિનું સંતુલન જાળવી રાખવાનો હતો.”
સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું. કાર્યક્રમ દરમિયાન ‘એક વૃક્ષ – એક જીવન’ નો સંદેશ પ્રસરાવ્યો હતો. ઘણા સ્વયંસેવક સંગઠનો દ્વારા છોડોના જતન અને સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો તથા અધિકારીઓએ વૃક્ષારોપણના સ્થળોની મુલાકાત લીધી અને આગામી દિવસોમાં વધુ વિસ્તારને હરિયાળો બનાવવા માટે યોજના ઘડવાની જાહેરાત કરી.
76મા વન મહોત્સવના આ અવસર પર થરાદ જિલ્લામાં હરિયાળીનો નવો સંકલ્પ જાગ્યો છે અને આગામી પેઢીને સ્વચ્છ-સુશોભિત પર્યાવરણ આપવા માટે સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.