થરાદમાં સોની દુકાનોમાં ઘર વપરાશના ગેસ સિલિન્ડરનો ઉપયોગ, તપાસની માંગ ઉઠી
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ શહેરની સોની બજારમાં આવેલ અનેક સોની દુકાનોમાં ઘર વપરાશ માટેના ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી મુજબ દુકાનોમાં કામકાજ માટે ઘરેલુ ગેસ સિલિન્ડર વપરાતા જોવા મળ્યા હતા.
હાલમાં શહેરમાં ગેસની અછત જોવા મળી રહી છે અને સામાન્ય લોકોને ઘરેલુ ગેસ મેળવવા માટે પડાપડી કરવી પડી રહી છે. ત્યારે કેટલાક વેપારીઓ પોતાના વ્યવસાયમાં ઘર વપરાશ માટેના ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે સામાન્ય લોકો માટે ગેસ મેળવવો મુશ્કેલ બન્યો છે ત્યારે આવા વેપારીઓ પાસે ઘરેલુ ગેસ સિલિન્ડર ક્યાંથી આવે છે તે તપાસવાનો પ્રશ્ન ઊભો થયો છે.
લોકોએ માંગ કરી છે કે પુરવઠા વિભાગ દ્વારા સોની બજારની દુકાનોમાં ઓચિંતા તપાસ કરવામાં આવે. જો દુકાનોમાં ઘર વપરાશના ગેસ સિલિન્ડરનો ઉપયોગ થઈ રહ્યો હોય તો નિયમ મુજબ કાર્યવાહી કરીને યોગ્ય દંડ કરવામાં આવે.




