THARADVAV-THARAD

થરાદ તાલુકાના મલુપુર ગામે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ચિંતન તેરૈયાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

ઊણ ગામે બનેલી ઘટનાના અનુસંધાને વાવ અને થરાદ પંથકમાં સામાજિક સમરસતા અને ભાઈચારો જાળવી રાખવાના ઉદ્દેશ્યથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.એસપી ચિંતન તેરૈયાએ જાહેર સંદેશમાં જણાવ્યું હતું કે, પોલીસ વાવ-થરાદ જિલ્લામાં શાંતિ જાળવવા માટે સોશિયલ મીડિયા પર સઘન નજર રાખી રહી છે. તેમણે ઉમેર્યું કે, સોશિયલ મીડિયા દ્વારા ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, જૂની વાતોને ખોટી રીતે રજૂ કરીને સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.એસપીએ સૌને અપીલ કરી હતી કે, કોઈપણ વ્યક્તિએ આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને કોઈપણ પ્રકારનો ઉશ્કેરણીજનક મેસેજ કે વીડિયો ફોરવર્ડ ન કરવો. તેમણે ચેતવણી આપી હતી કે, જો કોઈ અસામાજિક તત્વ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે, તો પોલીસ તેની વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસનો ટેકનિકલ સેલ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ ૨૪ કલાક કાર્યરત છે અને દરેક પોસ્ટ પર નજર રાખી રહ્યો છે. ગામના વડીલોને પણ વિનંતી કરવામાં આવી હતી કે તેઓ પોતાના વિસ્તારના યુવાનોને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા સમજાવે અને વાવ-થરાદ પંથકની શાંતિ અને એકતાની પરંપરા જાળવી રાખવામાં મદદ કરે.આ બેઠકમાં અગ્રણી મેવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શાંતિ સમિતિની બેઠકમાં એસપી સાહેબે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જે સલાહ-સૂચનો આપ્યા છે, તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.તેમણે ખાતરી આપી હતી કે, ગામમાં શાંતિ જળવાઈ રહે અને બધા લોકો ભાઈચારાની ભાવનાથી સાથે રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે. કોઈપણ અઘટિત ઘટના ન બને તેનું ધ્યાન રખાશે અને જો કોઈ વ્યક્તિ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવામાં આવશે નહીં. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે મુજબ જ વર્તન કરવામાં આવશે.

 

Back to top button
error: Content is protected !!