ચોખાના કટ્ટાઓની આડમાં વિદેશી દારૂ ભરેલ ટ્રકથરાદ પોલીસે ઝડપી પાડી રૂ. 64.43 લાખનો મુદ્દામાલ જપ્ત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન થરાદ પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. ચોખાના કટ્ટાઓની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રકમાંથી દારૂની બોટલો નંગ 1140 (કિંમત રૂ. 15,90,000/-) સહીત કુલ રૂ. 64,43,050/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી રેન્જ કચ્છ-ભુજ) તથા વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કડક અમલવારીના આદેશ આપવામાં આવ્યા છે. તે અનુસંધાને એસ.એમ. વારોતરીયા સાહેબ, વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તથા એ.ટી. પટેલ સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી.
થરાદ પોલીસ સ્ટાફ વાતડાઉ ગામની સીમમાં ભારત માલા રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહ્યો હતો તે દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી ટ્રક ગાડી નંબર PB46M9839ને રોકી તપાસ કરતા તેમાં ચોખાના કટ્ટા ઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો. તપાસમાં દારૂની બોટલો નંગ 1140 (કિંમત રૂ. 15,90,000/-), ચોખાના કટ્ટાઓ નંગ 835 (કિંમત રૂ. 33,40,000/-) તથા ટ્રક ગાડી (કિંમત રૂ. 15,00,000/-) મળી કુલ રૂ. 64,43,050/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
આ કેસમાં ટ્રકના ચાલક તથા ખલાસીને પકડી પાડવામાં આવ્યા છે તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ધી પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




