થરાદ ખાતે ઠાકોર સમાજે નવા બંધારણ અંગે મહત્વની ચર્ચા માટે બેઠક કરી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ ખાતે થરાદ, રાહ તાલુકા અને લાખણી તાલુકાના ૧૧ ગામોના ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહમિલન અને બંધારણ સંબંધિત મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને મજબૂત બનાવવાનો અને નવી પેઢીને યોગ્ય દિશા આપવાનો હતો.
સંમેલનમાં ઠાકોર સમાજના નવા બંધારણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ઠાકોર સમાજ માટે એક બંધારણ બનાવવામાં આવી રહ્યું છે, જે સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં થતા ખર્ચાઓ ઘટાડીને સમાજને શિક્ષણ તરફ આગળ વધારવામાં મદદ કરશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અન્ય સમાજોની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જેનું એક કારણ પ્રસંગોમાં થતો વધુ પડતો ખર્ચ છે. આ ખર્ચાઓ ઘટાડીને બચતનો ઉપયોગ દીકરા-દીકરીઓના શિક્ષણ માટે કરી શકાય છે, જેથી પરિવારો સુખી બને અને ગામ તથા સમાજ પણ સમૃદ્ધ થાય.
ગેનીબેન ઠાકોરે વ્યસનમુક્તિ પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં ડ્રગ્સ અને દારૂના કારણે સમાજના ઘણા યુવાનો બરબાદ થઈ રહ્યા છે. ઠાકોર સમાજે આવી બદીઓમાંથી બહાર આવીને ઓછા ખર્ચે પ્રસંગો ઉજવવા જોઈએ અને બચતનો ઉપયોગ શિક્ષણ તથા પરિવારના ઉત્કર્ષ માટે કરવો જોઈએ.
આવનારા સમયમાં સમગ્ર ઠાકોર સમાજ સદારામ બાપુના ફોટા મૂકીને આ બંધારણને અમલમાં મુકશે. આ આયોજનનો હેતુ ‘એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ’નું ઉદાહરણ પૂરું પાડવાનો છે, જેથી ઠાકોર સમાજ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે અને અન્ય સમાજોની હરીફાઈમાં આગળ વધી શકે.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોર અને સમાજના ગણમાન્ય આગેવાનો સહિત યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સંમેલને સમાજની સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોરે યુવાનોને હાકલ કરી હતી કે, ‘એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ’ એ સમયની માંગ છે. તેમણે યુવાનોને આ માંગ પૂર્ણ કરવા અને સમાજને અન્ય સમાજો માટે માર્ગદર્શક બનાવવા માટેની જવાબદારી સ્વીકારવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ‘એક સમાજ, શ્રેષ્ઠ સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ’ના બંધારણને સાર્થક કરવાનું કાર્ય સમાજના યુવાનોના શિરે છે.



