ચાંગડા ગામે બોરનું પાણી બે વર્ષથી પીવાલાયક નથી, સત્તા તંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
રાહ તાલુકાના ચાંગડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. ગામમાં આવેલ બોરનું પાણી છેલ્લા અંદાજે બે વર્ષથી ખરાબ હોવાથી તે પીવાલાયક રહ્યું નથી. છતાં પણ સંબંધિત સત્તાધીશો અને ગ્રામ પંચાયત દ્વારા હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બોરમાંથી આવતું પાણી દુર્ગંધયુક્ત અને અશુદ્ધ હોવાથી તેનો ઉપયોગ પીવા માટે કરવો મુશ્કેલ બની ગયો છે. છતાં પરિસ્થિતિ એવી છે કે ગામના ઘણા લોકો અને ખાસ કરીને શાળાના બાળકોને મજબૂરીવશ એ જ પાણી પીવું પડે છે. ગ્રામજનોનો સવાલ છે કે આવું પ્રદૂષિત પાણી પીવાથી બાળકો અને ગામલોકોના આરોગ્ય પર ગંભીર અસર નહીં થાય?
ગામલોકોએ આ સમસ્યા અંગે અનેકવાર ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ તેમ છતાં પંચાયતના તલાટી અને સરપંચ તરફથી હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે તંત્રના મૌનને કારણે ગ્રામજનોમાં અસંતોષ વધી રહ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે જો તાત્કાલિક બોરનું પાણી તપાસાવી યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો લોકોના આરોગ્ય પર મોટું સંકટ ઊભું થઈ શકે છે. તેથી ગામલોકોએ તંત્રને જલ્દીથી પાણીની તપાસ કરી નવી વ્યવસ્થા ઉભી કરવા તેમજ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે




