થરાદની મુખ્ય બજારમાં જોખમી બાંધકામ : લોકોના જીવન સાથે ખુલ્લી રમખાણ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ શહેરની મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ ટાડા ની પાળ પાસે રામજી મંદિરની બાજુમાં ચાલી રહેલા પ્રાઇવેટ કોમ્પ્લેક્સના બાંધકામમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સોની બજાર સહિતની ભીડભાડવાળી જગ્યાના મધ્યમાં ચાલી રહેલા આ બાંધકામમાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, બાંધકામ સ્થળે કોઈપણ પ્રકારની સેફટી જાળી (સેફટી નેટ) લગાવવામાં આવી નથી. જેના કારણે ઉપરથી ગમે ત્યારે ઈંટ, કાંકરા અથવા લોખંડના પાઈપ નીચે પડી શકે તેવી શક્યતા રહે છે. બજારમાં સતત લોકોની અવરજવર રહેતી હોવાને કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાય તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચોંકાવનારી બાબત એ છે કે બાંધકામમાં કામ કરતા મજૂરો પણ બિનસુરક્ષિત રીતે કામ કરી રહ્યા છે. ઘણા મજૂરો પાસે હેલ્મેટ કે અન્ય સુરક્ષા સાધનો જોવા મળતા નથી, જે મજૂરોના જીવન માટે પણ જોખમરૂપ બની શકે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મુખ્ય બજારની વચ્ચોવચ નિયમોના ભંગ સાથે બાંધકામ ચાલી રહ્યું છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેથી લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ નથી કે પછી કોઈની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે.
નિયમો મુજબ આવા બાંધકામમાં સેફટી નેટ, બેરિકેડિંગ, ચેતવણી બોર્ડ, મજૂરો માટે હેલ્મેટ અને સેફટી બેલ્ટ તેમજ પસાર થતા લોકો માટે સુરક્ષિત માર્ગ જેવી વ્યવસ્થા ફરજિયાત હોય છે. પરંતુ અહીં આ તમામ નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી જોવા મળી રહી છે.
સ્થાનિક લોકોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ બાંધકામ અંગે તપાસ કરીને જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરાવવામાં આવે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના બનતાં વાર લાગશે નહીં.




