થરાદ પંથકમાં કોડીન કફ સિરપ અને ટ્રામાડોલના વેચાણની ચર્ચાએ ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો થરાદ બન્યું “નશાનું હબ” ?

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી નશીલી દવાઓના વધતા વેચાણને લઈને લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ગામડાંથી લઈને શહેર વિસ્તારો સુધી કેટલાક મેડિકલ સ્ટોર અને ગેરકાયદેસર માધ્યમો દ્વારા યુવાધનમાં નશો ફેલાતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોડીન વાળી કફ સિરપ, ટ્રામાડોલ જેવી પેઇનકિલર ટેબ્લેટ અને Alprazolam / Nitrazepam જેવી સેડેટિવ ગોળીઓ સરળતાથી મળી રહેતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને યુવાઓમાં આ દવાઓનો નશા માટે ઉપયોગ વધતો હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાણકારોના મત મુજબ આવી દવાઓ માત્ર ડોક્ટરની સલાહ અને નિયમિત પ્રિસ્ક્રિપ્શન આધારે જ આપવાની હોય છે, છતાં કેટલાક સ્થળોએ નિયમોનું પાલન થતું નથી તેવી ચર્ચા છે. જેના કારણે અનેક પરિવારોમાં ચિંતા ફેલાઈ છે.
સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો નિયંત્રિત દવાઓ ખુલ્લેઆમ વેચાતી હોય તો ડ્રગ વિભાગ, આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા કડક ચેકિંગ કેમ કરવામાં આવતું નથી? શું જવાબદાર તંત્ર મૌન છે કે પછી ક્યાંક સગેવગે ચાલી રહી છે?
સામાજિક આગેવાનોનું કહેવું છે કે જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો યુવાધન નશાની લત તરફ ધકેલાઈ શકે છે. લોકો દ્વારા મેડિકલ સ્ટોરની તપાસ, લાયસન્સ ચેકિંગ અને ગેરકાયદેસર વેચાણ સામે વિશેષ ડ્રાઈવ ચલાવવાની માંગ ઉઠી રહી છે.
હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગશે અને નશીલી દવાઓના કથિત કાળા કારોબાર સામે શું પગલાં ભરશે.





