થરાદમાં નશાનો નવો ખતરો: Cophedrin-T સિરપ વેચાણે મેડિકલ માફિયા બેફામ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
નવરચિત વાવ–થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં યુવાધનને દારૂ અને ડ્રગ્સ બાદ હવે નશાનો નવો અને ખતરનાક રસ્તો મળી ગયો હોય તેવી સ્થિતિ સામે આવી છે. થરાદ પંથકમાં Cophedrin-T નામની નશાકારક સિરપ મેડિકલ દુકાનોમાંથી ડોક્ટરની કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર ખુલ્લેઆમ વેચાઈ રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ આ સિરપની બે બોટલ પીવાથી આલ્કોહોલ જેવો ભારે નશો થતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરિણામે યુવકો નશાની હાલતમાં રસ્તાઓ પર ફરતા, ઘરમાં જઈને ઝઘડા કરતા અને ઘરકંકાસ સર્જાતાં હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
ચોંકાવનારી બાબત એ છે કે થરાદ શહેર તથા હાઈવે વિસ્તારના વૃક્ષોની જાળીઓમાં Cophedrin-T સિરપની ખાલી બોટલો આડેધડ જોવા મળી રહી છે. એટલું જ નહીં, ચા ભઠ્ઠા અને જાહેર સ્થળો પાસે પણ આવી બોટલો જોવા મળતાં નશાનો ખુલ્લો પુરાવો મળી રહ્યો છે.
શહેરમાં અનેક એવી મેડિકલ દુકાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યાં સવાર અને સાંજના સમયે Cophedrin-T સિરપ ડોક્ટરની પર્ચી વગર વેચવામાં આવે છે. અનેક મેડિકલમાં તો નિયમ મુજબ ફરજિયાત ફાર્માસિસ્ટ હાજર ન હોવા છતાં દુકાનો ધમધમતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમને લઈ મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે આવા મેડિકલ માફિયાઓને કોના આશીર્વાદ મળેલા છે? મેડિકલ વિભાગના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લા S.O.G. પોલીસ આ ગંભીર મુદ્દે ક્યારે અને કેવી કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું છે.
યુવાધનના ભવિષ્ય સાથે રમાતી આ નશાની રમત સામે તંત્ર કડક કાર્યવાહી કરશે કે પછી Cophedrin-T સિરપનો નશો થરાદમાં વધુ વકરશે—એ બાબત ચર્ચાનો વિષય બની છે.




