થરાદ ખાતે રખોપાં ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી કેમ્પનું ભવ્ય આયોજન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ શહેર ખાતે રખોપાં ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમીઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન વાવ–થરાદ જિલ્લાના કલેક્ટર જે.એસ. પ્રજાપતિ દ્વારા રિબન કાપી કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, થરાદ શહેર તથા તાલુકામાં આગામી સમયમાં દસ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયો છે. પર્યાવરણ સંરક્ષણ માટે સારી અને સુવ્યવસ્થિત નર્સરીઓ ઉભી કરવાની જરૂર છે. રોડની સાઈડમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં દરેક જગ્યાએ વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી હરિયાળું અને સ્વચ્છ થરાદ બની શકે.
આ કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ, મહામંત્રી હિતેશભાઈ વાણીયા, મહામંત્રી પ્રતાપભાઈ સોની સહિત થરાદ શહેરના અઢારે આલમના આગેવાનો તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ સમાજહિત અને જીવદયા માટે સતત કાર્યરત રહેલા રખોપાં ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો ચાલુ રાખવા પ્રેરણા આપી હતી.




