VALSADVALSAD CITY / TALUKO

કપરાડાની ૨ વર્ષની બાળકીને હ્રદયમાં કાણાંનું વિના મુલ્યે ઓપરેશન થતાં નવું જીવન મળ્યું

આયુષ્યમાન કાર્ડ અંતરિયાળ વિસ્તારના બીમાર બાળકો માટે નવજીવન પ્રદાન કરનાર

ખાનગી હોસ્પિટલમાં બે લાખ સુધીના ખર્ચની સામે નિ:શુલ્ક ઓપરેશન થતાં ગરીબ પરિવારને રાહત 

સંકલન – સલોની પટેલ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૮ નવેમ્બર

કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(આરબીએસકે)ની ટીમ કપરાડાના અંતરિયાળ વિસ્તારના ગરીબ પરિવારો માટે આશાનું નવું કિરણ છે. RBSK ટીમના ડોક્ટરો ગરીબ પરિવારોના બાળકોમાં થતી સામાન્ય બીમારી હોય કે પછી ગંભીર બીમારીઓ એ તમામની જાણકારી આપી અનેક પરિવારોના બાળકોનું જીવન બચાવી રહ્યા છે. કપરાડાના વિરક્ષેત્ર ગામના ખોરીપાડા ફળિયાના ખેતમજૂરી કરતા ગરીબ આદિવાસી પરિવારની ૨ વર્ષની બાળકી મીનાક્ષી ડોકફોડેને હ્રદયમાં બે કાણાં હોવાથી એના જીવનની આશા ધૂંધળી બની હતી પરંતુ આવા સમયે કેન્દ્ર સરકારના આયુષ્યમાન કાર્ડ હેઠળ બાળકીનું સુરતની કિરણ હોસ્પિટલમાં વિનામુલ્યે ઓપરેશન થતા માસૂમને નવું જીવન મળ્યું છે.

સામાન્ય મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ગામના ખોરીપાડા ફળિયાના ડોકફોડે પરિવાર ઉપર આફતનો પહાડ તૂટી પડ્યો જ્યારે એમને ખબર પડી કે એમની દીકરી મીનાક્ષીના હ્રદયમાં બે કાણાં છે અને ઓપરેશન જ એનો જીવ બચાવી શકે એમ છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તા.૩૦ જુલાઈ, ૨૦૨૨ના રોજ જન્મ બાદ આરબીએસકેની ટીમને બાળક જન્મ વિશે નોંધણી માટે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આરબીએસકે ટીમના મેડિકલ ઓફિસર ડૉ. કિજલ પટેલ અને ડો. ડિમ્પી પટેલ દ્વારા આ બાળકીની હોમ વિઝિટ કરવામાં આવી હતી. પ્રાઈમરી મેડિકલ તપાસ દરમિયાન માલુમ પડ્યું કે બાળકીનો પ્રી-ટર્મ જન્મ થયો છે અને તેનું વજન પણ માત્ર ૧.૭ કિલોગ્રામ હતું. જેથી ટીમ દ્વારા બાળકીને વધુ તપાસ માટે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જ્યાં બાળકીનું ઈકો કાર્ડિયોગ્રામ (ECG)(2D-ECO) કરતા માલુમ પડ્યું કે બાળકીને ભાગ્યે જ બાળકોમાં જોવા મળતી કોન્જીનેન્ટલ હાર્ટ ડિસિઝ (CHD) એટલે કે હ્રદયમાં કાણાંની બીમારી છે.

RBSKની ટીમ દ્વારા બાળકીના પરિવારને કેન્દ્ર સરકારની આયુષ્યમાન આરોગ્ય કાર્ડ વિશે માહિતગાર કરી સમજણ આપવામાં આવી હતી. આ યોજના હેઠળ સારવાર કરાવવા માટે અક્ષમ ગરીબ પરિવારે સારવારનો કોઈ જ ખર્ચ ઉઠવવો પડતો નથી અને સારામાં સારી હોસ્પિટલમાં સારવાર અને ઓપરેશન થઈ શકે છે. આશરે દોઢ વર્ષ સુધીની ભારે સમજાવટ બાદ બાળકીનો પરિવાર વધુ સારવાર અને ઓપરેશન કરાવવા માટે તૈયાર થયો હતો. ઓપરેશન માટે બાળકીને સુરતની કિરણ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. જ્યાં તા.૦૪ જૂન, ૨૦૨૪ના રોજ કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામુલ્યે બાળકીના હ્રદયનું વીએસડી ક્લોઝર અને પીડીએ લાઈજેશનની સર્જરી કરી સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

બાળકીની માતા મનીષા ડોકફોડેએ જણાવ્યું હતું કે, RBSKની ટીમે ઘરે મિનાક્ષીને તપાસ કરી ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. ત્યાંથી તપાસમાં ખબર પડી કે, મારી છોકરી બીમાર છે ઓપરેશન કરાવવું પડશે. RBSKના ડોક્ટરોએ આયુષ્યમાન કાર્ડથી ઓપરેશનની માહિતી આપી હતી તેથી અમે સુરત કિરણ હોસ્પિટલમાં ગયા હતાં જ્યાં એકપણ રૂપિયાના ખર્ચ કર્યા વિના મિનાક્ષીનું સારી રીતે ઓપરેશન થઈ ગયું હતું તેમજ દવા કે બીજી વિઝિટ્નો પણ કોઈ ખર્ચ કરવો પડ્યો નથી. થોડા સમય પહેલા ઓપરેશન કરાયું હતું હવે મારી દીકરી એકદમ સ્વસ્થ છે તેથી આ યોજના માટે હું સરકારનો ખૂબ જ આભાર માનું છું.

RBSKના મેડિકલ ઓફિસર ડો. કિંજલ પટેલે જણાવ્યું હતું કે, કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોના અમુક બાળકોમાં આયર્નની ઉણપને કારણે કોઈક વાર કોન્જીનેન્ટલ હાર્ટ ડિસિઝ જોવા મળે છે. આ બાળકીને પણ આ જ બીમારી હતી તેથી ઘણી સમજાવટ બાદ તેઓએ આ ઓપરેશન કરાવ્યું છે. કિરણ હોસ્પિટલમાં ઓપરેશન બાદ ૧૦ થી ૧૫ દિવસ સુધી રહેવું પડ્યું હતું. જેનો પણ કોઈ ખર્ચ પરિવારે ભોગવવો પડ્યો નથી. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન દોઢથી બે લાખ રૂપિયાના ખર્ચે થતું હોય છે પરંતુ આયુષ્યમાન કાર્ડ યોજના દ્વારા નિ:શુલ્ક સારવાર કરાવવામાં આવે છે. જેનાથી ગરીબ પરિવારોને રાહત મળે છે.

હાલ બાળકીનું વજન ૬ કિલોગ્રામથી વધુ છે અને સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો આવ્યો છે. RBSKની ટીમ દ્વારા હોમ વિઝિટ કરી સતત બાળકીના સ્વાસ્થ્યની માહિતી લેવામાં આવે છે. આશા બહેન, મહિલા હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો દ્વારા પણ સતત ફોલોઅપ લેવામાં આવે છે. પરિવારને બાળકીની ઓપરેશન પછી રાખવાની કાળજી વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને રેગ્યુલર ચેકઅપ પણ કરાઈ રહ્યું છે. RBSKની ટીમ દ્વારા હોમ વિઝિટ સમયે રેગ્યુલર ફોલોઅપ માટે સુરત કિરણ હોસ્પિટલની મુલાકાત લેવા માટે પણ જણાવવામાં આવે છે. હાલમાં બાળકી એક્દમ સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી રહી છે તેમજ આંગણવાડીમાં પણ જઈ રહી છે.

Back to top button
error: Content is protected !!