THARADVAV-THARAD

થરાદ–ડીસા રોડ ગટર કામમાં વેઠવાળું કામ, કરોડોના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની વાસ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદથી ડીસા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર થોડા દિવસો પહેલા ખાત મુર્હૂત કરીને શરૂ કરાયેલા રોડ અને ગટર લાઇનના કામમાં શરૂઆતથી જ ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. રોડની સાઈડમાં બની રહેલી ગટર લાઇનમાં ગુણવત્તા વગરનું વેઠવાળું કામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

ગટર લાઇનનું કામ હજુ ચાલુ હોવા છતાં અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ તિરાડોને કોન્ટ્રેક્ટર દ્વારા માત્ર ઉપરથી પુરાવી દેવામાં આવી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે, જેનાથી કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વધુ ઘેરી બની છે. કરોડોના ખર્ચે બની રહેલા આ મહત્વના માર્ગ પર શરૂઆતના તબક્કામાં જ આવી સ્થિતિ સર્જાવા પાછળ કોન્ટ્રેક્ટરની ગંભીર બેદરકારી જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એક તરફ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેરમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે “મારા ડ્રીમ પ્રોજેક્ટને કોઈ બગાડે નહીં” અને કોન્ટ્રેક્ટરને ખુલ્લેઆમ ટકોર પણ કરવામાં આવી હતી. છતાં એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રેક્ટરે અધ્યક્ષના આદેશોને ઘોળીને પી ગયા હોય અને પોતાની મનમાનીથી કામ કરી રહ્યા હોય.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર આવી કામની ગુણવત્તાનું સઘન નિરીક્ષણ કરશે કે પછી આવા વેઠવાળા કામને મૌન સમર્થન આપવામાં આવશે? જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આ રોડ પણ ભવિષ્યમાં ખાડા અને તૂટી ગયેલી ગટર લાઇનનું ઉદાહરણ બની રહેશે.

સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કોન્ટ્રેક્ટર સામે કાયદેસરના પગલાં લેવાય, કામની ટેક્નિકલ તપાસ કરવામાં આવે અને સાચા અર્થમાં ગુણવત્તાવાળું કામ કરાવવામાં આવે, જેથી જનતાના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય અને વિધાનસભા અધ્યક્ષનું ડ્રીમ સાચે અર્થમાં પૂરું થાય.

 

Back to top button
error: Content is protected !!