THARADVAV-THARAD
થરાદમાં ભારતમાલા રોડ પર કોલસો ભરેલ ટ્રેલરમાં આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ તાલુકામાંથી પસાર થતાં ભારતમાંલા રોડ પર આજે એક કોલસો ભરેલ ટ્રેલરમાં આગ લાગવાની ઘટના બની હતી. ગુજરાતમાંથી કોલસો ભરી ઉત્તરપ્રદેશ જઈ રહેલા ટ્રેલરમાં થરાદ મીઠા રોડ નજીક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી.
ઘટનાની જાણ થતાની સાથે જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં ટ્રેલરના કેબિન અને એન્જિન ભાગ બળીને રાખ થઈ ગયા હતા, જોકે ટ્રેલરમાં ભરેલ તમામ કોલસો તેમજ ટ્રેલરનો મોટાભાગનો ભાગ બચાવી લેવામાં આવ્યો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. સમયસર ફાયર બ્રિગેડની કાર્યવાહીથી મોટું નુકસાન ટળ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.




