THARADVAV-THARAD

લાખણીમાં 25 કરોડના રોડ ગટર કામમાં ભ્રષ્ટાચારની ગંધ, કલેકટર સમક્ષ ગ્રામજનોએ ઉઠાવ્યો ગંભીર મુદ્દો

વાત્સલ્યમ સમાચાર પ્પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ–થરાદ ખાતે ડીસા થરાદ ફોરલેન હાઇવે અંતર્ગત અંદાજે 25 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા રોડ, ગટર અને સર્વિસ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે. આ બાબતે લાખણી ગામના જાગૃત નાગરિકો દ્વારા કલેકટર સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, ચાલુ કામ દરમિયાન ગ્રામજનોએ જાતે સ્થળ પર જઈ નિરીક્ષણ કરતાં અનેક ગંભીર ખામીઓ નજરે પડી છે. રોડ અને ગટર માટે કોઈપણ પ્રકારનું લેવલ લેવામાં આવ્યું નથી, રોડના ધોરા (લેવલ માર્કિંગ) ક્યાંક ખૂબ નીચા તો ક્યાંક ખૂબ ઊંચા રાખવામાં આવ્યા હોવાનું જણાય છે. પરિણામે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે બનાવવામાં આવતી ગટર પણ સરખા લેવલમાં ન હોવાના કારણે પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઊભી થવાની સંભાવના છે.

વધુમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગટર કામમાં નિમ્ન ગુણવત્તાનું મટીરિયલ વપરાઈ રહ્યું છે. યુવાનોએ કોન્ટ્રાકટર પાસે રોડ અને ગટરનો લેઆઉટ પ્લાન માંગ્યો હતો, પરંતુ આજદિન સુધી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. આ સમગ્ર કામ સંબંધિત અનેક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેને ગ્રામજનોએ ભ્રષ્ટાચારના પુરાવા તરીકે રજૂ કર્યા છે.

લાખણીના લોકોએ માંગ કરી છે કે સમગ્ર કામની તટસ્થ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાકટર તથા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી સરકારી નાણાંનો દુરુપયોગ અટકે અને જનતાને ગુણવત્તાયુક્ત વિકાસ કાર્ય મળી રહે.

Back to top button
error: Content is protected !!