THARADVAV-THARAD

૨૨.૪૮ લાખના દાગીના સાથે ચોર પકડાયો થરાદ પોલીસે કુંભારડી ગામની ચોરીનો ભેદ ઉકેલ્યો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ પોલીસે કુંભારડી ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂ. ૨૨.૪૮ લાખના સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૨૩.૦૩ લાખના મુદ્દામાલ સાથે એક ચોરને ઝડપી પાડ્યો છે.

થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ મિલકત સંબંધી ગુના અટકાવવા થરાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, GJ-08-DR-7110 નંબરની મોટરસાયકલ પર એક શંકાસ્પદ ઈસમ સોના-ચાંદીના દાગીના વેચવા બજારમાં ફરી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે થરાદ ટાઉનમાં ટોડાની પાળ પાસે તે ઈસમને પકડી પાડ્યો હતો. તેની પાસેના કાપડના થેલાની તપાસ કરતા તેમાંથી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. દાગીનાના બિલ માંગતા તેણે ગલ્લાંતલ્લા કર્યા હતા. વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે આ દાગીના તેણે કુંભારડી ગામે તેના મામા રાણાભાઈ જગમાલભાઈ રબારીના ઘરેથી ગત તા. ૧૭/૧૧/૨૦૨૫ ની રાત્રે ચોર્યા હતા અને તે વેચવા માટે થરાદ બજારમાં આવ્યો હતો.

પોલીસે પંચો સાથે નજીકની જ્વેલર્સની દુકાને જઈ દાગીનાનું વજન અને કિંમત નક્કી કરાવી હતી. આ દાગીનાની કિંમત રૂ. ૨૨.૪૮ લાખ આંકવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસે રૂ. ૫૦,૦૦૦/- ની મોટરસાયકલ અને રૂ. ૫,૦૦૦/- નો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આમ, કુલ રૂ. ૨૩.૦૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ ૧૦૬ હેઠળ મુદ્દામાલ કબજે કર્યો હતો અને કલમ ૩૫(૧)(ઈ) મુજબ આરોપીની અટકાયત કરી હતી. આ અંગેની વધુ કાર્યવાહી માટે માવસરી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.

 

 

Back to top button
error: Content is protected !!