ઉતરાયણ પર્વ નિમિત્તે થરાદ ચાર રસ્તા ઉપર થરાદ પોલીસ દ્વારા ટ્રાફિક સેફ્ટી અભિયાન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ–થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ આજે થરાદ ચાર રસ્તા ખાતે ટ્રાફિક જાગૃતિ અને સેફ્ટી અભિયાન યોજાયું હતું. આ અભિયાન અંતર્ગત ટુ-વ્હીલર વાહન ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ટુ-વ્હીલર વાહનો પર સેફ્ટી સળિયા બાંધવામાં આવ્યા હતા.
ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરી રસ્તાઓ પર લટકતી રહેતા ચાલતા નાગરિકો તથા વાહન ચાલકોના શરીરના કોઈ પણ અંગને અડવાથી ગંભીર ઇજા અથવા જાનહાનિ થવાની શક્યતા રહે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા આગોતરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે એસપી ચિંતન તેરૈયાએ લોકોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે હેલ્મેટ વિના વાહન ચલાવવું નહીં, તેમજ વધારે સ્પીડમાં વાહન ચલાવવાનું ટાળવું. જો આ સંદેશને જીવનમાં ઉતારશો તો તમારું આયુષ્ય વધશે અને જીવન સુરક્ષિત તથા સુખમય બની શકશે.
પોલીસ વિભાગની આ પહેલને નાગરિકોએ વખાણી હતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.




