થરાદના ભારતમાલા રોડ પર અફીણ-હેરોઈન સાથે બે પંજાબી ઈશ્મો ઝડપાયા

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
થરાદ પોલીસે વાંતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ પરથી રૂ. 12.99 લાખથી વધુના માદક પદાર્થ અફીણ અને હેરોઈન સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે દરમિયાન સાંચોર તરફથી આવી રહેલી હ્યુન્ડાઈ સેન્ટ્રો ગાડી ને રોકવામાં આવી હતી.
ગાડીની તપાસ કરતા તેમાં બે ઈસમો બેઠેલા હતા અને તેમના કબજામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. સ્થળ પર FSL અધિકારીને બોલાવી પૃથક્કરણ કરાવતા તે પદાર્થ ઓપીયમ આલ્કોઈડ (અફીણ) અને ઓપીયમ ડેરીવેટિવ (હેરોઈન મોર્ફિન) હોવાનું પુષ્ટિ થઈ હતી.
પોલીસે 4.83 ગ્રામ અફીણ (કિંમત રૂ. 483/-) અને 211.81 ગ્રામ હેરોઈન (કિંમત રૂ. 10,59,050/-) જપ્ત કર્યું હતું. કુલ રૂ. 12,99,533/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓમાં સતનામસિંગ સલવિંદરસિંગ પવાર (ઉંમર 29, રહે. મુંબઈ, મહારાષ્ટ્ર) અને અવતારસિંગ ફુલવંતસિંગ સિંધુ (ઉંમર 40, રહે. તરણતારણ, પંજાબ) નો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આ આરોપીઓ પંજાબથી ડ્રગ્સ લાવી મુંબઈ પહોંચાડવાના હોવાનું સામે આવ્યું છે.
થરાદ ડીવાયએસપી એસ.એમ. વારોતરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ કેસ ગુજરાત સરકારની NDPS સંબંધિત “ઝીરો ટોલરન્સ” નીતિ અંતર્ગત નોંધવામાં આવ્યો છે. પોલીસે આ માદક પદાર્થ આપનાર અન્ય ઈસમોને પકડવા અને મુંબઈમાં કોને વહેંચવાના હતા તે દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ ચાલી રહી છે.




