RAMESH SAVANI
હા, મોદીનો કોઈ વિકલ્પ નથી !
જાણીતા લેખક ઉર્વિશ કોઠારીએ લોકસભા ચૂંટણી-2024ના સંભવિત પરિણામ અંગે ફેસબૂક પર 1 જૂન 2024ના રેજ પોસ્ટ મૂકી છે. જેમાં તેમનું આંકલન છે કે “NDAને સાદી કે સ્પષ્ટ બહુમતી મળશે ! મોદીને આજીવન ચૂંટણી થકી સત્તાસ્થાનેથી હટાવી શકાય, એવી આ છેલ્લી ચૂંટણી બની રહેશે. કારણ કે પક્ષમાં કે વિપક્ષમાં ગરીમાપૂર્વક સત્તાથી બહાર રહી શકાય એવી જગ્યા તેમણે રાજકારણમાં રાખી જ નથી. આપણા દેશની દુર્દશામાં રહી ગયેલી કસર પૂરી થશે અને દેશભક્તિનો દાવો કરનારા ભક્તો તેનો ઉત્સવ મનાવશે. ત્યારે અમારા જેવા લોકોને એક સંતોષ રહેશે : મોદી-ભક્તો-ગોદી મિડીયા-ઘણા ધનપતિઓ-ચાલુ ‘તટસ્થો’; આ બધા ભેગા મળીને સક્રિયપણે દેશને અભૂતપૂર્વ પતનના માર્ગે લઈ જતા હતા, ત્યારે લોકોને ચેતવવા માટે વ્યક્તિગત ધોરણે જે સૂઝ્યું અને થઈ શક્યું, તે કર્યું. ચાલુ ગાડીએ ચડી ગયેલા કે આંખે પાટા બાંધીને ભક્તિ કરતા કે ખુલ્લી આંખે છેતરાતા લોકોને આવી ભૂમિકા ન સમજાય, એવું બને. કારણ કે, તેમની પાસે એક જ માપદંડ છેઃ ચૂંટણીમાં હાર અને જીત. મોદી જીતે એટલે ભક્તો માટે લદ્દાખની સરહદે ચીનની ઘૂસણખોરી, લશ્કરમાં રાજકારણ, બ્રિજભૂષણ જેવા છેડતીબાજોને અપાતો રાજ્યાશ્રય, રોજેરોજ ઉચ્ચારાતાં જૂઠાણાં અને ઝેરીલાં ભાષણો, સામાજિક વેરઝેર, અમર્યાદ ભપકાબાજી સહિતના બધા જ મુદ્દે ચર્ચાનો અંત આવી જાય છે. કારણ? ચૂંટણી જીતાઈ ગઈ છે. આવી માનસિકતા ધરાવતા લોકોને સંવાદથી-તથ્યોથી સમજાવી શકાતા નથી. બાકી, નોટબંધીથી લઈને કોરોના મિસમેનેજમેન્ટ સુધીની અને બીજી અનેક સરકારસર્જિત આફતો વખતે તેમની આંખ જાતે જ ઉઘડી હોત !”
ઉર્વિશ કોઠારી સાથે સંપૂર્ણ સહમત છું. તેમની આ પોસ્ટપર ગુજરાતના એક લોકપ્રિય લેખકે કોમેન્ટ કરી કે “મને મોદી તરફી ન ગણી લો એ શરતે એક સવાલ પૂછું છું, મોદી નહીં તો કોણ ? એનો જવાબ છે તમારી પાસે? મારા પર આંખો મીંચીને તૂટી ના પડતા પણ મિત્રો, આ જ મોકો છે મોદીના વિકલ્પને પ્રસ્થાપિત કરવાનો. એકાદ નામ તો શોધી કાઢો ! नेति नेति કરતા કોઈ इतिને તો શોધી કાઢો ! બાકી આ દેશમાં કોઈ નિર્વિકલ્પ નેતા છે ખરો? બકરું કાઢતાં પેસી જવા તત્પર ઊંટો તો અસંખ્ય બેઠા છે !”
આ કોમેન્ટ બાબતે ઉર્વિશ કોઠારીનો જવાબ હતો : “તમને જેમાં શ્રદ્ધા નથી એવી ભારતીય લોકશાહીમાં, ચૂંટણીઓ વ્યક્તિ વિરુદ્ધ વ્યક્તિની નથી લડાતી. એ પછીથી અને સગવડે સેટ થયેલો નેરેટીવ છે. તમે જે પ્રશ્ન પૂછ્યો છે, એવો પ્રશ્ન લોકો પૂછતા થઈ જાય અને પછી ન છૂટકે મોદીને મત આપે, એ તો આખો ખેલ છે. કોઈ માણસ ભયંકર અનિષ્ટ કરતો હોય ત્યારે પણ, તેનો કોઈ વિકલ્પ નથી એટલે તેને જ ચાલુ રાખવો-એવી દલીલ જાણેઅજાણે સરમુખત્યારશાહીની પોષક બને છે. અને બની જ રહી છે.”
મારી કોમેન્ટ આ હતી : “મોદી નહીં તો કોણ? આ તો ગોદી મીડિયાએ ઊભી કરેલી ધારણા છે. આ ધારણા બિલકુલ વાહિયાત છે. 140 કરોડ લોકોમાંથી વિકલ્પ ન મળે? મોદી છે તો જ સૂર્ય ઊગે અને આથમે, એમ કહી શકાય નહીં. વિપક્ષમાં અનેક નેતાઓ મોદી કરતા વધુ ગુણવત્તાવાળા છે. જેઓ ભેંસની વાત કરતા નથી/ મંગળસૂત્રની વાત કરતા નથી/ ઝાઝા બાળકોવાળાની વાત કરતા નથી/ મુજરાની વાત કરતા નથી/ વાદળ છે તેથી રડાર કામ નહીં કરે તેમ કહેતા નથી/ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને જવાબ આપે છે; તે દરેક નેતાઓ મોદી કરતા ચડિયાતા છે. ચૂંટણીમાં જીતે એટલે લાયક એ ગણિત જ ખોટું ! લાયક ઉમેદવારો હારી ગયાના દાખલા છે. સૌથી વધુ લાયકાત વાળા આંબેડકર હારી ગયેલ ! ચૂંટણી તો લતીફ પણ જીતે અને બદમાશો પણ જીતે ! ચૂંટણીમાં જીતવું એ ગુણવત્તાની નિશાની નથી, ચૂંટણીમાં જીતનો આધાર તમે કેટલી બદમાશી કરી શકો છો/ જ્ઞાતિ-જાતિ કરી શકો છો/ ધર્મના નામે લોકોને કેટલા ધૂણાવી શકો છો/ કાળા નાણાનો કેટલો ઉપયોગ કરી શકો છો/ ગુંડઓનો કેટલો ઉપયોગ કરી શકો છો; તે બધા ફેક્ટર ઉપર હોય છે. આ દ્રષ્ટિએ મોદીનો કોઈ વિકલ્પ નથી એમ જરુર કહી શકાય !”rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય/ આલોક/ Mir Suhail]