વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની જવાહર નવોદય વિધાલય સાપુતારા ખાતે જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC)નો પાંચ દિવસીય વાર્ષિક સમર કેમ્પનો પ્રારંભ કરાયો…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં બાળકોમાં શિક્ષણની સાથે સુરક્ષાનો અભિગમ પણ કેળવાય તથા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે એક નવનિર્મિત સેતુનું નિર્માણ થાય તેવા પ્રયાસો જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી.પાટીલ તથા જે.એસ.સરવૈયાએ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ(એસપીસી)માં ચાલુ વર્ષે જિલ્લાની 6 શાળાનો સમાવેશ કર્યો છે.આજરોજ ગિરિમથક સાપુતારા ખાતે આવેલ જવાહર નવોદય વિધાલયમાં જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.સરવૈયાના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ (એસપીસી)નો પાંચ દિવસ વાર્ષિક સમર કેમ્પનું ઉદ્ઘાટન કરાયુ હતુ. આ પ્રસંગે ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓના જીવનમાં એસ.પી.સીનાં મૂલ્યો જરૂરી છે.એસ.પી.સીના પગલે વિદ્યાર્થીઓનાં ઘડતરમાં શિસ્તતા લાવી શકાય છે.તેઓએ એસ.પી.સી યોજનાનું મહત્વ સમજાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. જ્યારે અહી સાપુતારા જવાહર નવોદય વિધાલયના પ્રાચાર્ય એન.એસ.રાણેએ વિદ્યાર્થીઓને એસ.પી.સી યોજના થકી જીવનમાં સાતત્યનું મહત્વ સમજાવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશભાઈ ત્રિવેદીએ બાળકોને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતુ. આ સમર કેમ્પનાં ઉદ્ઘાટન બાદ ડાંગ જિલ્લાના 450 જેટલા કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રમતગમત તથા જીવનમાં નવી પ્રેરણા મળે તે માટે ફિલ્મ શો બતાવવામાં આવ્યો હતો.સાપુતારાનાં જવાહર નવોદય વિધાલય ખાતે આયોજિત સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસ.પી. સી સમર કેમ્પમાં ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. સરવૈયા,જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી,જવાહર નવોદય વિધાલયના પ્રાચાર્ય એન.એસ.રાણે, સાપુતારા પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા સહીત શાળાનાં શિક્ષકો અને એસપીસી કેડેટ ઉપસ્થિત રહ્યા હતા.