વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં રવિવારથી ગાજવીજ સાથે ધોધમાર સ્વરૂપેનો વરસાદ શરૂ થતા ધરતીપુત્ર એવા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે ઠંડક પ્રસરી જતા વાતાવરણ ખુશનુમામય બની જવા પામ્યુ છે.ત્યારે વરસાદી માહોલનાં પગલે પ્રવાસન સ્થળોનું વાતાવરણ મનમોહક બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે માઝા મૂકી છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મોસમે મિજાજ બદલ્યો છે ત્યારે વઘઈ,સુબીર,આહવા સહિત અનેક વિસ્તારમાં સૂસવાટા મારતા પવન અને વિજળીના ગાજવીજ સાથે મેઘરાજાએ ધુંઆધાર બેટીંગ ચાલુ કરી છે.વરસાદના કારણે ગામડાઓના જાહેર માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળતા દ્રશ્યો ચોમસામય બની જવા પામ્યા હતા.જિલ્લામાં સુસવાટા મારતા પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષ પણ ધરાશાયી થવાની ઘટના ધ્યાનમાં આવવા પામી છે.હાલમાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની મઝા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.વરસાદી માહોલમાં સાપુતારાનાં જોવાલાયક સ્થળોનું વાતાવરણ પણ નિખરી ઉઠતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે 6 વાગ્યાથી મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 12 મિમી,વઘઇ પંથકમાં 22 મિમી, સુબિર પંથકમાં 02 મિમી વરસાદ નોંધાયો હતો.અને સાપુતારા પંથકમાં ઝરમર વરસાદ નોંધાયો હતો..