
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.
લખપત,તા-૨૭ જૂન : રાજ્યના આરોગ્ય કમિશનર અને કચ્છ જિલ્લાના પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના દ્વિતિય દિવસે કચ્છના દયાપર કલસ્ટરની સુભાષપર પ્રાથમિક શાળા, બીટીયારી પ્રાથમિક શાળા અને મોડેલ સ્કૂલ દયાપર ખાતે મુખ્ય અતિથી તરીકે હાજરી આપી હતી. આરોગ્ય કમિશનર અને પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલે સ્નેહભેર બાળકોને પ્રવેશ અપાવતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી જીવનમાં નિયમિતતા ખૂબ જ જરૂરી છે. શિક્ષણમાં નિયમિત રહીએ અને મહેનત કરીએ તો નિર્ધારિત લક્ષ્યને સરળતાથી હાંસલ કરી શકાય છે. આ ઉપરાંત, તમામ શાળાઓમાં જઈને આરોગ્ય કમિશનર અને પ્રભારી સચિવશ્રીએ સ્કૂલ મોનિટરિંગ કમિટીની બેઠક બોલાવીને ગામની ભૌગૌલિક સ્થિતિ, સામાજિક સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિની ચકાસણી કરી હતી. બાળકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવીને સામૂહિક વૃક્ષારોપણ કરવા શ્રી પટેલે સૌ ઉપસ્થિતિનો પ્રેરણા આપી હતી.આ પ્રસંગે અગ્રણીશ્રી જશુભા જાડેજા, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી સુરજ સુથાર, મામલતદારશ્રી એસ.એ.ડોડિયા, આર.સી.એચ.ઓ ડૉ. જે. એ.ખત્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સામંતભાઈ વસરા, બી.આર.સી કોર્ડિનેટરશ્રી જે.ડી.મહેશ્વરી સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





