
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
ઉજવણી.ઉલ્લાસમય શિક્ષણની.કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪
જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા જણાવ્યું કે પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે.
સામાજિક સંસ્થાઓ સરકારશ્રીની સાથે આવીને મોડેલ પ્લે સ્કૂલને વિકસાવે.
બાળકો વ્યસનોથી દૂર રહે તેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી સૌની છે.
બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને દેશના વિકાસ માટે જવાબદાર નાગરિકો નિર્માણ કરીએ.
શિક્ષણની સાથે ઈતર પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
અંજાર,તા-૨૮ જૂન : જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ મહાનુભાવોની સાથે કચ્છના અંજાર શહેરમાં નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર ૧૩ વિજયનગર અને શેઠ ડી.વી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્નેહભેર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. વિજયનગર શાળા નંબર ૧૩ ખાતે શાળા નંબર ૫ અને શાળા નંબર ૦૭ નો સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ જ્યારે શેઠ ડી.વી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા નંબર ૯ અને ૧૦નો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. પ્રાથમિક શાળા નંબર ૧૩ ખાતે આંગણવાડી, બાલવાટિકા, ધો.૦૧ અને ધો. ૦૮ માં કુલ ૪૫ જ્યારે શેઠ ડી.વી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૦૯ માં કુલ ૭૯ વિદ્યાર્થીઓ અને ધો. ૧૧ માં કુલ ૭૬ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે આપણા સૌની સહિયારી જવાબદારી છે. અંજાર નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાકીય શિક્ષણના માટેના સંનિષ્ઠ પ્રયાસોને બિરદાવીને કલેક્ટરશ્રી અમિત અરોરાએ આનંદની લાગણી વ્યક્ત કરી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શિક્ષણની સુવિધાઓ માટે તમામ મદદની ખાતરી આપી હતી.આ પ્રસંગે કલેક્ટરશ્રીએ કચ્છના શહેરી વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્રો તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રની માળખાકીય સુવિધાઓ વધે અને તેનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તે બાબત ઉપર ભાર મૂક્યો હતો. સામાજિક સંસ્થાઓ સરકારશ્રીની સાથે આવીને મોડેલ પ્લે સ્કૂલને વિકસાવે એવો અનુરોધ કલેક્ટરશ્રી અમિત અરોરાએ કર્યો હતો. પ્રાથમિક શિક્ષણને પાયાનું શિક્ષણ ગણાવીને કલેક્ટરશ્રી અમિત અરોરાએ ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને ખાસ કરીને મહિલાઓ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે તેમ સૂચન કર્યું હતું. બાળકો વ્યસનોથી દૂર રહે તેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી સૌની છે તેમ કલેક્ટરશ્રી અમિત અરોરાએ ઉમેર્યું હતું. બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને દેશના વિકાસ માટે જવાબદાર નાગરિકો નિર્માણ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો. શિક્ષણની સાથે ઈતર પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે જેથી આ દિશામાં કામગીરી કરવા શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણીએ વ્હાલા બાળકોને શાળામાં આવકારીને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે શરૂ કરેલો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આજે વટવૃક્ષ બનીને વિદ્યાર્થીઓના જીવનમાં મોટું પરિવર્તન લાવી રહ્યો છે. ૨૧મી સદીમાં બાળકો ટેક્નોલોજીની સાથે શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારે તમામ શાળાઓમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. નાના નાના ભૂલકાઓ આજે ડિજિટલ ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહ્યા છે તેમ શ્રી કોડરાણીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે સચ્ચિદાનંદ મંદિર અંજારના ત્રિકમદાસજી મહારાજ અને રામ સખી મંદિરના કીર્તિદાસજી મહારાજે નાના નાના ભૂલકાઓ તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. અંજાર નગર પ્રાથમિક શાળા નંબર ૧૩ અને શેઠ ડી.વી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પરિસરમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ, અન્ય માળખાકીય સુવિધાઓની જરૂરિયાત તેમજ બાળકોના આરોગ્યની સ્થિતિ વગેરે બાબતોની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા સહિત મહાનુભાવોએ શેઠ ડી.વી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું અનાવરણ કર્યું હતું. ઉપરાંત, પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરીને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી હતી. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી બલરામભાઈ જેઠવા અને વાઈસ ચેરમેનશ્રી તેજસભાઈ મહેતા, શહેરના સંગઠન મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા અને ઉપાધ્યક્ષ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, દંડકશ્રી કલ્પનાબેન ગોર, અગ્રણી સર્વેશ્રી નિલેશભાઈ ગોસ્વામી, શ્રી મયુરભાઈ સિંધવ, શ્રી વિનોદભાઈ ચોટારા, શ્રી તરૂણભાઈ શાહ, શ્રી જયશ્રીબેન મહેતા, શ્રી મામદભાઈ સૈયદ, શ્રી નયનાબેન, શ્રી કંચનબેન, શ્રી વડેચા કેશવજીભાઈ, શ્રી અમરિશભાઈ કંદોઈ, અધિકારીઓમાં અંજાર મદદનીશ કલેક્ટરશ્રી સુનિલ, મામલતદારશ્રી રાહુલ ખાંભરા, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી પારસભાઈ મકવાણા, સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, સીઆરસીશ્રી પિયુષભાઈ ડાંગર, બીઆરસીશ્રી મયુરભાઈ પટેલ, આચાર્ય સર્વેશ્રી નિર્મલાબેન સોરઠીયા, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નીરવભાઈ પરમાર, શ્રી સુનિતાબેન દરિયાણી સહિત વિદ્યાર્થીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

















