NATIONAL

NEET હવે પ્રોફેશનલ નહીં કોમર્શિયલ એક્ઝામ થઈ ગઈ છે, પેપર લીક મુદ્દે સંસદમાં રાહુલ ગાંધી

18મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યો. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાની જગ્યાએ વિપક્ષે NEET, તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દા પર સત્તાપક્ષ ભાજપને ઘેર્યો હતો. વિપક્ષ વતી રાહુલ ગાંધીએ લોકસભામાં માગ કરી હતી કે એક દિવસ માટે NEET મુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ સરકાર એ માટે તૈયાર ન થતાં વિપક્ષે આખરે વૉકઆઉટ કર્યો હતો. ત્યારબાદ ફરી કાર્યવાહી બે વાગ્યેે શરૂ થઇ અને રાહુલ ગાંધીએ સત્તાપક્ષ ભાજપ, પીએમ મોદી સામે અનેક મુદ્દે આક્રમક પ્રહાર કર્યા હતા.  જાણો તેઓ શું શું બોલ્યાં..

આ દરમિયાન રાહુલ ગાંધી NEET પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘નીટ હવે પ્રોફેશનલ નહીં, કોમર્શિયલ એક્ઝામ થઈ ગઈ છે.

રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિશે કહ્યું કે ‘તમે ફરી લોકસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયા ત્યારે હું તમને આસન સુધી લઇ ગયો હતો. આ ચેર પર બે લોકો બેઠા છે. એક લોકસભા સ્પીકર, હોદ્દાની રૂએ અને બીજા ઓમ બિરલા. તમે મારી સાથે હાથ મિલાવો છો તો સીધા ઊભા રહો છો પણ જ્યારે મોદીજી સાથે હાથ મિલાવવાનો વારો આવે છે તો તમે નજી જાઓ છો.’ રાહુલની આ ટિપ્પણીને અમિત શાહે આસનનું અપમાન ગણાવ્યું હતું. ઓમ બિરલાએ પણ કહ્યું કે ‘વડીલોને માન આપવું જ જોઇએ.’ ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘તમે ગૃહના કસ્ટોડિયન છો. તમારાથી મોટું કોઈ નથી. તમારે કોઈની સામે નમવું ના જોઈએ. હું તમારી સામે નમીશ. સમગ્ર વિપક્ષ તમારી સામે નમશે.’

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘અમે ખેડૂતો માટે અમે જે જમીન સંપાદન બિલ બનાવ્યું હતું તે યોગ્ય વળતર અપાવવા માટે હતું. તમે તેને રદ કરી દીધું.’ ત્યારે સત્તા પક્ષ તરફથી ઓથેન્ટિકેટ કરવાની માગ કરાઈ. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘એ પણ કરી દઈશું. ખેડૂતોને ડરાવવા માટે તમે ત્રણ કાયદા લાવ્યા. વડાપ્રધાને કહ્યું કે આ કાયદા ખેડૂતોના ફાયદા માટે છે. જોકે સત્ય તો એ હતું કે અંબાણી – અદાણીને ફાયદો પહોંચાડવા માટે આ કાયદા લવાયા હતા. ખેડૂતો માર્ગો પર ઉતરી ગયા, તમે ખેડૂતો સાથે વાત પણ ના કરી. તમે એમને ગળે ન લગાવ્યા. ઉલટાનું તમે એ લોકોએ આતંકી ગણાવ્યા. તમે કહો છો કે આ બધા આતંકી છે.’ એ વખતે રાહુલ ગાંધીને વચ્ચે અટકાવતા અમિત શાહે કહ્યું કે ‘આ મામલાને ઓથેન્ટિક કરો.’ તો રાહુલ ગાંધીએ કહ્યું કે ‘અમે ખેડૂતો માટે ગૃહમાં મૌન રાખવાની વાત કરી પણ સત્તા પક્ષની એ પણ ના થયું.’

Back to top button
error: Content is protected !!