બાળકોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી પેપરલેસ બાળ સંસદની ચૂંટણી બોરુ પ્રા.શાળામાં યોજાઈ.
તારીખ ૧૦/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બોરુ ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી નું આયોજન કાગળ બચાવો, વૃક્ષ બચાવો, પૃથ્વી બચાવોની થીમ સાથે ઓનલાઈન ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી ગૂગલ ફોર્મ વડે કરવામાં આવ્યું હતું.મતદાન માટે ૯ એન્ડ્રોઇડ ફોન,૩ સ્માર્ટ ક્લાસ અને આઈ.સી.ટી. લેબનો ઉપયોગ કરી ખૂબજ ટૂંકા ગાળામાં બાળ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ ઉત્સાહ સાથે કર્યો હતો.બાળ સંસદ એટલે બાળકોની,બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારો માં અને નિર્ણયો માં ભાગીદાર થાય તે હેતુથી બોરુ ની શાળામાં બાળ સંસદ ચૂંટણી માટે પહેલા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારબાદ આ ચૂંટણી માટે શાળાના ૩૧ વિદ્યાર્થીઓએ ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.બાળ સંસદ ચૂંટણીમાં શાળાના કુલ ૨૫૯ વિદ્યાર્થીઓમાંથી ૨૩૬ વિદ્યાર્થીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ મતપત્રની લીંકનો ઉપયોગ કરી ઉત્સાહભેર ૯૧.૧૧% મતદાન કર્યું હતું.જેમાં સૌથી વધુ મત મેળવનાર ભરવાડ દીપકભાઈ નાથુભાઈ મહામંત્રી પદ માટે તેમજ બેલીમ સરબીનાબાનુ ઇમરાનભાઇની ઉપમહામંત્રી પદ માટે નિમણૂંક થઈ હતી. તો સાથે શિક્ષણ મંત્રી તરીકે શેખ નૂરીમોહમંદ ઝુબેર આરોગ્ય મંત્રી તરીકે સોલંકી ધ્રુવકુમાર જીજ્ઞેશ ભાઇ,સફાઇ મંત્રી તરીકે બેલીમ તૌકીર તોસીફ, રમત ગમત મંત્રી તરીકે બેલીમ ફરહાન ઇમરાન, સાંસ્કૃતિક મંત્રી રાઠોડ પૂજાબેન મહેશભાઈ, મધ્યાહન ભોજન મંત્રી તરીકે રાઠોડ અશ્વિન વિજયભાઇ, પ્રવાસ-પર્યટન મંત્રી તરીકે સોલંકી સાગર દિલીપ કુમાર,પાણી મંત્રી તરીકે પઠાણ સાનિયાબાનુ ઇદરીશહુસેન મંત્રી મંડળમાં જોડાયા હતા. આ તકે શાળાના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી એ જણાવ્યું હતું કે બાળ સંસદ વિદ્યાર્થીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસ સંદર્ભે એક મહત્વની શરૂઆત છે. જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે. બાળકોમાં નેતૃત્વ,સમૂહ ભાવના, સમયસર નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયં શિસ્ત જેવા ગુણો વિકસાવવાની સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયને સમજ જીવન ઘડતરમાં પણ ઉપકારક બનાવી શકે છે.આગામી એક વર્ષ સુધી વિજેતા તમામ વિદ્યાર્થીઓને મંત્રી બનવાનો અવસર મળશે જેને લઈ તમામ વિદ્યાર્થીઓ સહિત તેઓના વાલી માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આગામી ૧૧ જુલાઈના રોજ મંત્રીમંડળનો શપથ વિધિ સમારોહ સંજયભાઈ પ્રજાપતિ ની આગેવાની હેઠળ યોજાશે જેની સૌ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.