
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી કચ્છ, તા.૧૬ જુલાઈ : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીના પદ માટે યોજાનારી ચૂંટણીને લઈને ચિત્ર સ્પષ્ટ થયું છે. પ્રમુખ અને મહામંત્રી જગ્યા માટે ભરાયેલા ફોર્મ બાદ પરત ખેંચવાની કાર્યવાહી પૂર્ણ થતાં પ્રમુખ અને મહામંત્રી બંને જગ્યા માટે 3-3 ઉમેદવારો વચ્ચે હવે ચૂંટણી જંગ જામશે. સંઘના હાલના મહામંત્રી સતિષ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચતા હવે તેઓ રેસમાં નથી. જોકે હાલના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ચોથી વાર પ્રમુખ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ તેઓ હેટ્રિક કરી ચૂક્યા છે.
આ અંગે વિશેષ માહિતી આપતા કચ્છ જિલ્લાના રાજ્યના પદનામિત હોદ્દેદાર હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે પોણા બે લાખ જેટલા શિક્ષકો રાજ્યના સૌથી મોટા શૈક્ષણિક સંગઠન એવા પ્રાથમિક શિક્ષક સંઘમાં જોડાયેલા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હાલના પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યોની મુદ્દત પૂર્ણ થયા બાદ હવે આગામી ૩ વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂકને લઈને ચૂંટણી યોજવામાં આવનાર છે. ચૂંટણીને લઈને 9 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દાવેદારો પાસેથી ફોર્મ ભરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત રવિવારના રોજ ફોર્મ સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન પ્રમુખ માટે 4 જેટલા દાવેદારો અને મહામંત્રી માટે 6 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા હતા.
પ્રમુખ માટે હાલના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ( જામનગર) ઉપરાંત વિક્રમસિંહ ગરાસિયા (આણંદ) , સંજય દવે ( બનાસકાંઠા) અને ખોડુભાઈ પઢિયાર( અમદાવાદ) એ દાવેદારી કરી હતી, જ્યારે મહામંત્રી માટે હાલના મહામંત્રી સતિષ પટેલ ( અરવલ્લી) ઉપરાંત જૈમિન પટેલ( વડોદરા) , સુરતાન કટારા (દાહોદ) , નિલેશ પટેલ, જીજ્ઞેશ ગોર ( અરવલ્લી) અને રામુભા જાડેજા ( કચ્છ) એ ફોર્મ ભર્યા હતા. આમ, પ્રમુખ માટે ચાર અને મહામંત્રી માટે 6 દાવેદારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી અને ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટેની તક અપાઈ હતી. જેમાં પ્રમુખ માટે એક દાવેદારે ફોર્મ પરત લીધું હતું. જ્યારે મહામંત્રી માટે 2 ફોર્મ પરત ખેંચાયા હતા અને 1 ફોર્મ અમાન્ય રહ્યું હતું. જેથી પ્રમુખ અને મહામંત્રી માટે હવે 3- 3 દાવેદારો મેદાનમર્મા છે. પ્રમુખ માટે વિક્રમ ગરાસિયાએ પોતાની દાવેદારી પરત લેતા દિગ્વિજયસિંહ જાડેજા, સંજય દવે અને ખોડુભાઈ પઢિયાર વચ્ચે ચૂંટણી થશે, જ્યારે મહામંત્રી માટે હાલના મહામંત્રી સતિષ પટેલ અને નિલેશ પટેલે પોતાની દાવેદારી પરત ખેંચી હતી. જ્યારે રામુભા જાડેજાનું ફોર્મ અમાન્ય રહેતા હવે મહામંત્રી માટે જૈમિન પટેલ, સુરતાન કટારા અને જિજ્ઞેશ ગોર વચ્ચે ચૂંટણી જંગ જામશે. ચૂંટણીમાં કચ્છના 22 સહિત રાજ્યના 474 મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદ માટે ચૂંટણી લડતા દિગ્વિજયસિંહ જાડેજાના કાર્યકાળ દરમ્યાન શિક્ષકો અને અન્ય કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો ઉકેલાતા તેઓ ચોથી વાર પ્રમુખ તરીકે નિશ્ચિત મનાઈ રહ્યા છે. તેઓ રાજ્યના સયુંકત કર્મચારી મોરચાના પ્રમુખ ઉપરાંત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ પણ છે. તેમની પેનલને આ વખતે 26 જિલ્લાઓનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.




