GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: બાળકોને થતા ચાંદીપુરા રોગથી બચવાના ઉપાયો

તા.૧૮/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાતમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ચાંદીપુરા વાઇરસના કેસો નોધાયા છે, જેના ફેલાવા માટે સેન્ડ ફ્લાય વાહક જવાબદાર છે. ૯ માસથી લઇને ૧૪ વર્ષ સુધીના બાળકોને ચાંદીપુરા વાઇરસનું ઇંફેક્શન લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વાઇરલ ઇંફેક્શનનો પ્રથમ કિસ્સો વર્ષ ૧૯૬૫માં મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામે નોંધાયો હતો. જેથી, તે ચાંદીપુરા વાઇરસ તરીકે ઓળખાય છે.

રાજકોટ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો. પી. કે. સિંઘ અને આરોગ્‍ય વિભાગની ટીમ જન-આરોગ્ય અર્થે સતત કાર્યરત છે. ત્યારે ચાંદીપુરા વાઇરસથી બચવાના નીચે મુજબના ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

 

ચાંદીપુરા તાવના લક્ષણો

૧. બાળકોને સખત તાવ આવવો

૨. ઝાડા થવા

૩. ઉલ્ટી થવી

૪. ખેંચ આવવી

૫. બેભાન થવું

ચાંદીપુરા રોગથી બચવા માટેના ઉપાયો

૧. સેંડ ફ્લાયથી બચવા માટે ઘરની દીવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઇએ. જેથી, ત્યાં સેંડ ફ્લાય રહી ન શકે.

૨. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સુર્ય પ્રકાશ આવે) આવતો રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

૩. ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રાહ રાખવો જોઈએ.

૪. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા ન દેવા જોઈએ.

ચાંદીપુરા રોગના લક્ષણો બાળકોમાં દેખાય તો તાત્કાલિક આરોગ્ય કર્મચારી અથવા નજીકના સરકારી દવાખાનામાં સારવાર માટે જવું જોઈએ, તેમ રાજકોટ જિલ્‍લા પંચાયતની કુટુંબ કલ્‍યાણ શાખાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!