MORBI:મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સરકારી ઉચ્ચ અધિકારીઓ નું સરપ્રાઈઝ ચેકીંગ!

MORBI:મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સરકારી ઉચ્ચ અધિકારીઓ નું સરપ્રાઈઝ ચેકીંગ!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લા કલેકટર કે. બી. ઝવેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ નાં માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા નાં ૪૦ અધિકારીઓ દ્વારા મોરબી જિલ્લા નાં તમામ તાલુકાના જુદા જુદા ગામોની સરપ્રાઈઝ આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. જેમા મોરબી તાલુકાના ૯ ગામો, વાંકાનેર તાલુકાના ૬ ગામો, ટંકારા તાલુકાના ૧૧ ગામો, માળીયા(મીયાણા) તાલુકાના ૭ ગામો, હળવદ તાલુકાના ૮ ગામોની મુલાકાત કરવામાં આવી હતી આ ગામોની મુલાકાત લેવાનો મુખ્ય ઉદેશ જિલ્લાના છેવાડાના ગામના માનવી સુધી આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, ગ્રામ પંચાયત, આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, પશુ દવાખાના, બેકિંગ સેવા, સિંચાઈ તેમજ પિવાના પાણીની રોડ રસ્તા સહિત સરકારશ્રીની વિવિધ સેવાઓનો લાભ મળે મળે છે કેમ ? તે ચકાસવાનો મુખ્ય ઉદેશ હતો. ગ્રામ્ય સ્તરે સરકારના સંબંધિત વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રી સમયસર પોતાની ફરજ પર આવે છે કે કેમ ? લોકોને તેમની સેવાનો યોગ્ય લાભ મળે છે કે કેમ? તે બાબત પણ ચકાસવામાં આવી હતી. દરેક ગ્રામના ગ્રામસેવક અને ખેડૂત બંને એકબીજાને અરસ પરસ ઓળખે છે કે કેમ? તેમજ તે ગ્રામસેવક સરકારશ્રીની ખેડુતલક્ષી યોજનાઓની સમજુતી આપે છે કે કેમ? અને ખેડુતોને આ યોજનાનો લાભ મળી રહે છે કે કેમ? તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજનમાં સરકારએ નિયત કરેલ મેનુ પ્રમાણે બાળકોને ભોજન આપવામા આવે છે કે કેમ? અને યોગ્ય ગુણવતા સાથેનો જથ્થો મળે છે કે કેમ? તે બાબતની ચકાસણીની સાથે આંગણવાડીમાં સવારે ગરમ નાસ્તો અને બપોરે ગરમ ભોજન આપવામા આવે છે કે કેમ? તેની પણ તપાસ કરવામાં આવી હતી.
આરોગ્યલક્ષી સેવાઓ નિયમિત અને યોગ્ય રીતે પૂરી પાડવામાં આવે છે કે કેમ? અને આ તમામ બાબતોનું સુપરવિઝન થાય અને અનિયમિતતાનો કંટ્રોલ થાય આ માટે તપાસ જરૂરી બની રહે છે. ગામની મુલાકાત દરમ્યાન ગામના સરપંચ, સભ્યો તથા આગેવાનો સાથે બેઠક યોજીને ગામને સરકારની કંઈ સુવિધાઓ અને યોજનાઓની જરૂરીયાત છે તેની ચર્ચા કરી તેમને પડતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નોની રજુઆત મેળવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચર્ચાઓ દરમિયાન મુખ્યત્વે લોકો તરફથી ગામના નવા રસ્તા, શહેર સાથે જોડતા નવા રોડ, પુલ બનાવવા તેમજ ગામમા સિંચાઈ માટે નિયમીત વિજળી પાણી તેમજ ગામ માટે પીવાના પાણીના આધુનિક ટેકનોલોજીના સંપ બનાવવાની મુખ્ય રજુઆત મળી છે. જે સંબંધિત વિભાગને મોકલી અસરકારક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. ગામની મુલાકાત દરમ્યાન બે ગામના તલાટી-કમ મંત્રી, એક ગામના શિક્ષક, બે ગામના સસ્તા અનાજના દુકાનદાર, એક ગામનાં મેડીકલ ઓફીસર, બે ગામના આંગણવાડીના સંચાલક, એક ગામના જુનીયર ફાર્માસીસ્ટ, લેબર ટેકનીશીયન, સી.એચ.ઓ., એમ.પી.એચ.ડબલ્યુ ફરજ ઉપર હાજર મળી આવેલા ન હતા તેઓ વિરૂધ્ધ શિસ્ત ભંગ વિષયક પગલા લઈ યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી છે. અહીં એ વાત જણાવી દઈએ કે કેટલાક તલાટી કમ મંત્રી તેમની જોબ ચાર્ટ માં નથી તેવી દસ્તાવેજ નોંધણી, બિનખેતી જેવી કામગીરી કરીને અંગત કમાણી કરી રહ્યા છે. તેમનાં કાર્યમથક માં સરપ્રાઈઝ ચેકીંગ કરીને તે કાર્યમથક માં હાજય છે કે નહીં! તે ચેકીંગ કરવું જોઈએ. જરૂર પડ્યે આવા તલાટી કમ મંત્રી વિરુદ્ધ બેનામી કે અપ્રમાણસર મિલકતની તપાસ કરવા એસીબી નેં પણ ભલામણ કરવી જોઈએ. તો જ ગામડામાં સારો વિકાસ થશે અને તલાટી કમ મંત્રીઓ સમયસર ગામડામાં હાજર રહેશે!









