GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાની તમામ શાળાઓમાં ૦૧ ઓગસ્ટ, શનિવારે રજા જાહેર

તા.૩૧/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અતિભારે વરસાદની આગાહીને પગલે લેવાયેલો નિર્ણય

શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે હેડક્વાર્ટરમાં જ રહેવા સૂચના

Rajkot: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખતાં જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવતીકાલે તા. ૦૧/૦૮/૨૦૨૬ શનિવારના રોજ ફરજિયાત રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી, વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીની પ્રાથમિકતા આપતા નિવાસી અધિક કલેક્ટરશ્રીની સૂચનાના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, રાજકોટ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

જે મુજબ, આવતીકાલે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. આગમચેતી અને આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે શાળાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે હેડક્વાર્ટર છોડવાનું રહેશે નહીં અને સ્થાનિક તંત્રને જરૂર જણાય ત્યારે પૂરતો સહયોગ આપવાનો રહેશે.

ઉપરાંત, ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં નિચાણવાળા વિસ્તારના અસરગ્રસ્ત નાગરિકો માટે જરૂર પડ્યે શાળાના મકાનોનો આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરી શકાય તે માટે આચાર્યશ્રીઓને શાળા ખુલ્લી રાખવા તેમજ વીજળી, પીવાના પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ રહે તેની પૂરતી તકેદારી રાખવાની સૂચના રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!